
ઓસ્લો, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). નોર્વે ચેસ 2026ના ચોથા રાઉન્ડમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસને વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને શાનદાર વાપસી કરી, જ્યારે ભારતના આર. પ્રજ્ઞાનાનંદે વિન્સેન્ટ કીમરને પરાજિત કરીને દેશને મોટી સફળતા અપાવી.
મહિલા વર્ગમાં જોકે ભારતીય ખેલાડીઓ માટે દિવસ નિરાશાજનક રહ્યો. કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખને અનુક્રમે ઝૂ જિનેર અને અન્ના મુઝીચુક સામે હારનો સામનો કરવો પડ્યો.
સૌથી વધુ ચર્ચા કાર્લસન અને ગુકેશ વચ્ચેના મુકાબલાની રહી. ગત સંસ્કરણમાં ગુકેશ સામે હાર્યા બાદ કાર્લસન દ્વારા ટેબલ પર હાથ પછાડવાની ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી. આ વખતે પણ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો.
ટૂર્નામેન્ટની નબળી શરૂઆત બાદ કાર્લસન પર દબાણ હતું. તેણે શરૂઆતની ત્રણ મેચોમાંથી બે ગુમાવી હતી, જેમાં પ્રજ્ઞાનાનંદ સામે ક્લાસિકલ હાર પણ સામેલ હતી. પરંતુ ચોથા રાઉન્ડમાં કાર્લસને અનુભવનું શાનદાર પ્રદર્શન કરતા ગુકેશની અંતિમ ક્ષણોની ભૂલોનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ જીતીને 4.5 અંક સાથે ફરીથી ખિતાબી રેસમાં વાપસી કરી લીધી.
બીજી તરફ, પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ મેચમાં જીતની સ્થિતિ ગુમાવી દીધી હતી, પરંતુ આર્માગેડન ટાઇબ્રેકમાં આક્રમક રમત બતાવીને વિન્સેન્ટ કીમરને માત આપી. આ જીત સાથે તે અંક તાલિકામાં અલીરેઝા ફિરોઝા પછી બીજા સ્થાને પહોંચી ગયો. ફિરોઝાને આ રાઉન્ડમાં વેસ્લી સોએ હરાવ્યો.
મહિલા વર્ગમાં ત્રણેય ક્લાસિકલ મુકાબલા ડ્રો રહ્યા. ત્યારબાદ આર્માગેડનમાં કઝાકિસ્તાનની બિબિસારા અસ્સાઉબાયેવાએ વિશ્વ ચેમ્પિયન જૂ વેનજુનને હરાવીને મોટો ઉલટફેર કર્યો.
કોનેરુ હમ્પીનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું અને ક્લાસિકલ ડ્રો બાદ ટાઇબ્રેકમાં ઝૂ જિનેરે તેમને પરાજિત કર્યા. તો બીજી તરફ દિવ્યા દેશમુખને અન્ના મુઝીચુક સામે હારનો સામનો કરવો પડ્યો.
હવે ટૂર્નામેન્ટમાં આજે આરામનો દિવસ રહેશે અને મુકાબલા શનિવારથી ફરી શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ