
નવી દિલ્હી, 30 મે (હિ.સ.) ફિલ્મ 'ડૉન 3' ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ, અભિનેતા રણવીર સિંહનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબ્લ્યુઆઈસીઈ) દ્વારા રણવીર વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કરવામાં આવ્યા બાદ, રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી ફેડરેશનના નિર્ણયને કઠેડામાં ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે, આ પગલું ફિલ્મ ઈન્ડસ્ટ્રી અથવા શ્રમિકોના હિતમાં નથી, પરંતુ એક જૂની વ્યવસ્થા દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ છે.
રામ ગોપાલ વર્માએ પોતાના નિવેદનમાં એફડબ્લ્યુઆઈસીઈ ને કાનૂની અધિકારો વિનાની સંસ્થા ગણાવીને તેને કાંગારુ કોર્ટ પણ કહી દીધી. તેમનું કહેવું છે કે કોઈ નિર્માતા અને અભિનેતા વચ્ચેના કરાર સંબંધિત વિવાદમાં હસ્તક્ષેપ કરવો એ ફેડરેશનનું કામ નથી. તેમણે લખ્યું કે આવા મામલાઓનો ઉકેલ અદાલતોમાં થવો જોઈએ, નહીં કે કોઈ સંઘ દ્વારા એકતરફી નિર્ણયો સંભળાવીને. વર્માએ એવો પણ દાવો કર્યો હતો કે રણવીરની સફળતાથી અસહજ થયેલા કેટલાક લોકોના પ્રભાવ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો હેતુ અભિનેતા પર દબાણ લાવવાનો છે.
ડિરેક્ટરે આગળ જણાવ્યું કે, રણવીર સિંહ જેવા સ્ટાર્સ જ ઈન્ડસ્ટ્રીને આગળ ધપાવે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તેમના મતે, જો રણવીર કોઈ નવી ફિલ્મ માટે હા પાડી દે, તો નિર્માતાઓ તેમની સાથે કામ કરવા માટે લાઈનમાં ઊભા રહી જશે.
નોંધનીય છે કે, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રણવીર સિંહે કથિત રીતે ફરહાન અખ્તરની ફિલ્મ 'ડૉન 3' થી પોતાને અલગ કરી લીધા હતા. આ પછી નિર્માતાઓએ દાવો કર્યો હતો કે તેમને અંદાજે 45 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આ મામલે એફડબ્લ્યુઆઈસીઈ ને ફરિયાદ કરવામાં આવી હતી, જેના પછી અભિનેતા વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ