
-ખિતાબી મુકાબલામાં હવે રવિવારે ગુજરાતનો સામનો આરસીબી સામે થશે
મુલ્લાંપુર, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ના બીજા ક્વોલિફાયરમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ (જીટી) એ, કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી અને સાઇ સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સ (આરઆર) ને સાત વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે રવિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે થશે. પાંચ સીઝનમાં ગુજરાતની આ ત્રીજી આઇપીએલ ફાઇનલ છે.
મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ માટે 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા આકર્ષક શોટ્સ ફટકાર્યા અને રાજસ્થાનને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
સૂર્યવંશીએ શરૂઆતમાં સંયમ રાખ્યો અને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ આઇપીએલમાં તેની તમામ મોટી ઇનિંગ્સમાં સૌથી ધીમી અડધી સદી હતી. ત્યારબાદ તેણે આક્રમક વલણ અપનાવતા સાત છગ્ગા ફટકાર્યા. કગીસો રબાડાનો બાઉન્સર હેલ્મેટ પર વાગ્યો હોવા છતાં તેણે બેટિંગ ચાલુ રાખી અને ગુજરાતના બોલરો પર સતત દબાણ બનાવી રાખ્યું હતું.
જોકે બીજી તરફ વિકેટો પડતી રહી, પરંતુ સૂર્યવંશીએ એકલા હાથે રાજસ્થાનને મુકાબલામાં ટકાવી રાખ્યું હતું. આ પાછલા ચાર મુકાબલામાં તેનો ત્રીજો 90 પ્લસ સ્કોર હતો.
215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ મજબૂત રહી હતી. સાઇ સુદર્શન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ રાજસ્થાનના બોલરો પર સંપૂર્ણ દબાણ બનાવી દીધું હતું. બંને બેટ્સમેનોએ ક્લાસિક ક્રિકેટિંગ શોટ્સ સાથે ઝડપથી રન બનાવ્યા અને પ્રથમ વિકેટ માટે 167 રનની ભાગીદારી કરીને મેચને લગભગ એકતરફી બનાવી દીધી હતી.
સાઇ સુદર્શને 32 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તે સતત બીજી મેચમાં કમનસીબ રીતે આઉટ થયો હતો. બ્રિજેશ શર્માના બોલ પર ચોગ્ગો ફટકારવાના પ્રયાસમાં તેનું બેટ હાથમાંથી છૂટીને વિકેટ પર જઈ વાગ્યું અને તે હિટ વિકેટ આઉટ થઈ ગયો હતો.
બીજી તરફ શુભમન ગિલ સમગ્ર મેચ દરમિયાન શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે 53 બોલમાં 104 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી, જેમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ગિલે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રવિન્દ્ર જાડેજાના બોલ પર આગળ વધીને ફટકારેલો તેનો ચોગ્ગો આ ઇનિંગનો સૌથી યાદગાર શોટ હતો.
ગુજરાતે લક્ષ્યને આસાનીથી હાંસલ કરીને 7 વિકેટથી મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.
એક સમયે એવું લાગતું હતું કે, સૂર્યવંશીની ઇનિંગ મેચની સૌથી મોટી કહાની બનશે, પરંતુ શુભમન ગિલની શાનદાર બેટિંગે પૂરી મહેફિલ લૂંટી લીધી હતી. રાજસ્થાનના યુવા સિતારાની ચમક છતાં ગુજરાતની સામૂહિક તાકાત ભારે પડી અને ટીમે શાનદાર અંદાજમાં ફાઇનલની ટિકિટ મેળવી લીધી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ