
સુરત, 31 મે (હિ.સ.)-“શિક્ષણ એ જીવન પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે” – આ વિચારને સાકાર કરતી ‘સુશાસન શિક્ષણ સહાય યોજના’ અંતર્ગત કોરોના મહામારી દરમિયાન માતા-પિતા અથવા વાલીની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પાલનપુર પાટિયા, અડાજણ સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજાયો હતો.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને 167-સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના અંગત પ્રયાસોથી શરૂ કરાયેલી આ યોજના વર્ષ 2020થી 2038 સુધી સતત 18 વર્ષ માટે અમલમાં રહેશે. યોજનાનો મુખ્ય હેતુ કોરોના કાળમાં અનાથ અથવા અર્ધઅનાથ બનેલા વિદ્યાર્થીઓના શિક્ષણને સતત જાળવી રાખવાનો અને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો છે.
સ્કોલરશીપ વિતરણ પ્રસંગે વિદ્યાર્થીઓના ચહેરા પર દેખાતો આત્મવિશ્વાસ અને ખુશી આ યોજનાની સફળતાની સાક્ષી બની રહ્યો હતો. આર્થિક સહાય ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન અને જીવનમાં આગળ વધવાની નવી પ્રેરણા પણ મળી રહી છે.
આ પ્રસંગે પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા સમાજનું સશક્તિકરણ શક્ય બને છે અને કોઈપણ વિદ્યાર્થી માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરી પોતાના સપનાઓને સાકાર કરવાની શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટરો દિગ્વિજયસિંહ બારડ, પરિમલભાઈ ચાસિયા, હર્ષભાઈ મહેતા, હીનાબેન ટાંક, મીનાક્ષીબેન પપૈયા, વિદ્યાકુંજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, મહેશ વી. પટેલ, પ્રેસિડન્સી સ્કૂલના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાળા, નિવૃત્ત આચાર્ય અશ્વિનભાઈ પટેલ, પ્રોફેસર ગોંડલિયા તેમજ ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સંસ્કાર ભારતી વિદ્યાલયના ટ્રસ્ટીમંડળ, સંચાલકો, શિક્ષકગણ અને સમગ્ર સ્ટાફના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે