


પોરબંદર, 31 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી વસ્તી ગણતરી-2027 દેશના વિકાસ અને આયોજન માટેનું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાની વિગતો સ્વયં ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લઈ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ પોતે જાતે જ સેલ્ફ-એન્યુમરેશન (Self-Enumeration) પોર્ટલ પર જઈ પોતાની અને પોતાના પરિવારની વિગતો નોંધાવી સ્વ-ગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આજના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે અનેક ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વસ્તી ગણતરી-2027 માટે શરૂ કરાયેલ સ્વ-ગણતરી પોર્ટલ પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાગરિકો પોતાના મોબાઈલ ફોન, લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા થોડા જ મિનિટોમાં પોતાના રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. આ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક છે.
નાગરિકોએ માત્ર પોતાના મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરી ઓ.ટી.પી.ની મદદથી લોગિન કરવાનું રહે છે, ત્યારબાદ જરૂરી વિગતો ભરવાની રહે છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી, જેના કારણે સામાન્ય નાગરિકો માટે પણ તે સરળતાથી ઉપયોગી બની છે. સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિકોને સિસ્ટમ દ્વારા ‘SE ID’ આપવામાં આવે છે. આ આઈડીને સુરક્ષિત રીતે સાચવી રાખવાની રહેશે અને જ્યારે સરકારના સત્તાવાર ગણતરીદાર ઘરે મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી દર્શાવવાથી ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની રહેશે. પોરબંદર શહેરના તમામ નાગરિકોને આહ્વાન કરતાં મેયર સાગરભાઇ મોદીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ, ભવિષ્યના આયોજન અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટેનો મહત્વપૂર્ણ આધાર છે. દરેક નાગરિક પોતાની સાચી અને ચોક્કસ માહિતી પૂરી પાડી આ રાષ્ટ્રહિતના કાર્યમાં સહભાગી બને અને ઓનલાઈન સ્વ-ગણતરીની સુવિધાનો વધુમાં વધુ લાભ લે. મેયરએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે વધુમાં વધુ નાગરિકો સ્વ-ગણતરી કરશે તો સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, ઝડપી અને સરળ બનશે, જે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya