
પોરબંદર, 31 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરના શેરી ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.1 જૂન 2026 થી સમગ્ર એક મહિના સુધી દર સોમવાર અને મંગળવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પો યોજાશે, જેમાં શેરી ફેરીયાઓને યોજના અંગે માર્ગદર્શન આપી લોન, ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન તેમજ વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો શુભારંભ તા. 1 જૂનના રોજ સવારે 11:00 કલાકે પોરબંદર શહેરમાં આવેલ ઝુરીબાગ પાણીના ટાકા પાસે કૈલાશ ગેરેજ વાળી ગલી ખાતે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 10 અને 11 માં વસવાટ કરતા શેરી ફેરીયાઓને યોજનાનો લાભ આપવામાં આવશે. પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરીયાઓને કોઈપણ પ્રકારની જામીનગીરી વિના વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે.
યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000સુધીની લોન આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને 7 ટકા વાર્ષિક વ્યાજ સબસિડીનો લાભ આપવામાં આવે છે, જે ત્રિમાસિક ધોરણે સીધો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. યોજનાની એક મહત્વપૂર્ણ વિશેષતા તરીકે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેશબેક ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. યુપીઆઈ સહિતના ડિજિટલ વ્યવહારો કરનાર લાભાર્થીઓને વાર્ષિક રૂ. 1,600 સુધીનું કેશબેક મળી શકે છે. સાથે જ રૂ. 30,000 સુધીની મર્યાદાવાળું રૂ-પે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. જે લાભાર્થીઓ ત્રીજા તબક્કાની રૂ. 50,000 ની લોન સુધી પહોંચી ગયા છે તેઓને પણ ક્રેડિટ કાર્ડની સુવિધાનો લાભ આપવામાં આવશે. યોજનાનો લાભ શાકભાજી અને ફળ વેચનાર, ચા-નાસ્તાની લારીઓ, સ્ટ્રીટ ફૂડ વેચનાર, કપડાં અને હેન્ડલૂમ વસ્તુઓના વેપારીઓ, હસ્તકલા કારીગરો, રમકડાં અને પ્લાસ્ટિક વસ્તુઓના વેપારીઓ, ધોબી, નાઈ, મોચી, ઝેરોક્સ અને લેમિનેશન સેવા, કુરિયર સેવા, સાયકલ અને ઓટોમોબાઈલ રિપેરિંગ, ટેન્ટ સેવા, લોટ ચક્કી સંચાલકો, કચરો એકત્ર કરવાની સેવા, કાર-બાઈક ધોવાનું કામ, બુક બાઈન્ડિંગ, ફોટો ફ્રેમ બનાવવાનું કામ, લોહારી કામ, સુથારી કામ, પરિવહન સેવા તેમજ અન્ય વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા કુલ 43 જેટલા વ્યવસાય વર્ગના લોકો મેળવી શકશે. આ ઉપરાંત સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે પણ જોડવામાં આવશે જેથી તેઓ અને તેમના પરિવારજનોને સામાજિક સુરક્ષા, આરોગ્ય, વીમા, પેન્શન અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે. પોરબંદર મહાનગરપાલિકાના એનયુએલએમ દ્વારા વોર્ડ નંબર 10 અને 11માં વસવાટ કરતા તેમજ શહેરના અન્ય શેરી ફેરીયાઓને આ કેમ્પોમાં હાજર રહી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
મહાનગરપાલિકાના એન યુ એલ એમ શાખા દ્વારા આગામી એક મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વનિધિ મહોત્સવના કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા અને સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya