
નવી દિલ્હી, 04 મે (હિ.સ): રાષ્ટ્રીય કંપની કાયદા અપીલીય ટ્રિબ્યુનલ (એનસીએલએટી) એ દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની વેદાંત લિમિટેડની બે અરજીઓ ફગાવી દીધી છે. કંપનીએ આ અરજીઓમાં દેવા હેઠળ દબાયેલી જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની બિડની પસંદગીને પડકારી હતી. આ પહેલા આ મામલે વેદાંત લિમિટેડને સુપ્રીમ કોર્ટમાં પણ નિરાશા સાંપડી હતી.
ન્યાયમૂર્તિ (નિવૃત્ત) અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય બરુન મિત્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્યુનલ (એનસીએલટી) ના અગાઉના આદેશને યથાવત રાખ્યો અને જણાવ્યું કે નિર્ણય લેતી સત્તાના ફેંસલામાં દખલ કરવાનો કોઈ આધાર નથી. બેન્ચે કહ્યું કે, અપીલમાં કોઈ દમ નથી. બંને અપીલો ફગાવવામાં આવે છે. કોઈ આદેશ પસાર કરવાની જરૂર નથી.
એનસીએલએટી એ નોંધ્યું કે, 14 નવેમ્બર, 2025 ના રોજ મળેલી તેની 24મી બેઠકમાં સમિતિ દ્વારા પરિશિષ્ટ પર વિચાર ન કરવાનો નિર્ણય ન તો અમાન્ય હતો કે ન તો ગેરવાજબી. વેદાંતે મૂલ્યાંકન માપદંડો પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેની બિડ કુલ મૂલ્યની દ્રષ્ટિએ 3,400 કરોડ રૂપિયા વધુ અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી) ના આધારે લગભગ 500 કરોડ રૂપિયા વધુ હતી. આ દલીલને નકારી કાઢતા એનસીએલએટી એ કહ્યું કે, લેણદારોની સમિતિ (સીઓસી) દ્વારા ઉચ્ચ મૂલ્યની યોજનાને મંજૂરી ન આપવાને 'મનસ્વી અથવા ગેરવાજબી' કહી શકાય નહીં.
કંપની કાયદા ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચે 17 માર્ચના રોજ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડના અધિગ્રહણ માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની 14,535 કરોડ રૂપિયાની બિડને મંજૂરી આપી હતી, જેને વેદાંતે એનસીએલએટી માં પડકારી હતી. વેદાંતે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો પરંતુ સર્વોચ્ચ અદાલતે તેના પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
જેપી સમૂહની મુખ્ય કંપની જેએએલ ને 57,185 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણીમાં નિષ્ફળતા બાદ જૂન, 2024 માં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસમાં સામેલ કરવામાં આવી હતી. અદાણી એન્ટરપ્રાઈઝે જેએએલ માટે લગાવેલી બિડમાં વેદાંત લિમિટેડ અને ડાલમિયા ભારતને પાછળ છોડીને જીત મેળવી હતી. અદાણી એન્ટરપ્રાઈઝને લેણદારોના સૌથી વધુ 89 ટકા મતો મળ્યા હતા.
જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (જેએએલ) માટે અદાણી સમૂહની રિઝોલ્યુશન યોજનાને રાષ્ટ્રીય કંપની કાયદા અપીલીય ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ તેની પ્રક્રિયાને પડકારતી વેદાંત સમૂહની અરજીને ફગાવી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ