
નવી દિલ્હી, 04 મે (હિ.સ.). અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવાના સમાચાર અને એપ્રિલમાં જીએસટી કલેક્શન 2.43 લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચવાના સમાચારની આજે સ્થાનિક શેરબજારના શરૂઆતી કારોબાર પર હકારાત્મક અસર જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. બજાર ખુલ્યા બાદ ખરીદદારોએ લેવાલી પર ભાર મૂક્યો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ ગતિ પકડી લીધી હતી.
બજારની તેજીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રેડિંગ શરૂ થયાના થોડા સમયમાં જ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.64 લાખ કરોડનો વધારો થયો હતો. સવારે 10 વાગ્યા સુધીના કારોબાર બાદ સેન્સેક્સ 1.12 ટકા અને નિફ્ટી 1.06 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા હતા.
આજે સવારે 10 વાગ્યા સુધીના કારોબાર બાદ સ્ટોક માર્કેટના દિગ્ગજ શેરોમાં બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ સુઝુકી, શ્રીરામ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર 3.86 ટકાથી લઈને 2.79 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા હતા. બીજી તરફ, કોટક મહિન્દ્રા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઓએનજીસી, ટીસીએસ અને એટર્નલના શેર 2.58 ટકાથી લઈને 0.26 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.
અત્યાર સુધીના કારોબારમાં સ્ટોક માર્કેટમાં 2,764 શેરોમાં સક્રિય ટ્રેડિંગ થઈ રહ્યું હતું. જેમાંથી 2,102 શેર નફો કરી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા, જ્યારે 662 શેર નુકસાન સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. તેવી જ રીતે સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી 26 શેર લેવાલીના ટેકાથી લીલા નિશાનમાં ટકી રહ્યા હતા. બીજી તરફ ચાર શેર વેચવાલીના દબાણને કારણે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી 44 શેર લીલા નિશાનમાં અને છ શેર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા.
બીએસઈનો સેન્સેક્સ આજે 343.77 પોઈન્ટની મજબૂતી સાથે 77,257.27 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. કારોબાર શરૂ થતાની સાથે જ ખરીદદારોએ લેવાલી પર ભાર મૂક્યો હતો, જેનાથી આ સૂચકાંકની ચાલમાં તેજી આવી હતી. સતત થઈ રહેલી ખરીદીના ટેકાથી પહેલા અડધા કલાકના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ એક હજાર પોઈન્ટનો ઉછાળો મારીને 77,910.75 પોઈન્ટના સ્તર સુધી પહોંચી ગયો હતો. જોકે ત્યારબાદ નફા વસૂલાત (પ્રોફિટ બુકિંગ) માટે થયેલી વેચવાલીના કારણે તેની ચાલમાં મામૂલી ઘટાડો પણ નોંધાયો હતો. બજારમાં સતત ચાલી રહેલી લે-વેચ વચ્ચે સવારે 10 વાગ્યા સુધીના કારોબાર બાદ સેન્સેક્સ 859.40 પોઈન્ટના વધારા સાથે 77,772.90 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.
સેન્સેક્સની જેમ જ એનએસઈના નિફ્ટીએ આજે 66 પોઈન્ટનો ઉછાળો મારીને 24,063.55 પોઈન્ટના સ્તરેથી કારોબારની શરૂઆત કરી હતી. બજાર ખુલતાની સાથે જ ખરીદદારોએ લેવાલી શરૂ કરી દીધી હતી, જેનાથી આ સૂચકાંકની ગતિમાં તેજી આવી હતી. સતત થઈ રહેલી ખરીદીના ટેકાથી પહેલા અડધા કલાકના કારોબારમાં જ નિફ્ટી લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 24,290.20 પોઈન્ટના સ્તર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ નફા વસૂલાત શરૂ થવાને કારણે આ સૂચકાંકની ચાલમાં મામૂલી નબળાઈ પણ નોંધાઈ હતી. બજારમાં સતત ચાલી રહેલી લેવાલી અને વેચવાલી વચ્ચે સવારે 10 વાગ્યા સુધીના કારોબાર બાદ નિફ્ટી 254.60 પોઈન્ટની મજબૂતી સાથે 24,252.15 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.
આ અગાઉ ગયા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ગુરુવારે સેન્સેક્સ 582.26 પોઈન્ટ એટલે કે 0.75 ટકાની નબળાઈ સાથે 76,913.50 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીએ 180.10 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના ઘટાડા સાથે 23,997.55 પોઈન્ટના સ્તરે ગુરુવારના કારોબારનો અંત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ