
ઓકલેન્ડ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ભારતીય મહિલા હૉકી ટીમે, એફઆઈએચ હૉકી મહિલા નેશન્સ કપ 2026ના પોતાના પહેલા મુકાબલામાં દમદાર વાપસી કરતાં, સોમવારે અમેરિકા ને 3-2થી હરાવીને ટૂર્નામેન્ટનો વિજયી આરંભ કર્યો.
ઓકલેન્ડના નોર્થ હાર્બર નેશનલ હૉકી સેન્ટરમાં રમાયેલા પૂલ-એ મુકાબલામાં ભારતે શરૂઆતના ઝટકાઓ બાદ શાનદાર પ્રદર્શન કર્યું.
મૅચની શરૂઆત ભારત માટે પડકારજનક રહી. અમેરિકા એ આક્રમક રમત દર્શાવતા ચોથા મિનિટમાં એશલે સેસાના ફિલ્ડ ગોલથી લીડ મેળવી. ત્યાર બાદ સાતમા મિનિટમાં મૅડલિન જિમરે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને અમેરિકાને 2-0ની સરસાઈ અપાવી.
બે ગોલથી પાછળ પડ્યા બાદ, ભારતીય ટીમે ધીમે ધીમે મૅચ પર પકડ બનાવવાનું શરૂ કર્યું. બીજા ક્વાર્ટરમાં વાપસી કરી રહેલી ડ્રેગ-ફ્લિક નિષ્ણાત દીપિકાએ 17મા મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને અંતર ઘટાડ્યું.
ત્યાર બાદ ભારતીય ટીમનો દબદબો સતત વધતો ગયો. 24મા મિનિટમાં ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો અને દીપિકાએ ફરી એકવાર શાનદાર કન્વર્ઝન કરતાં સ્કોર 2-2થી બરાબર કરી દીધો.
બરાબરી બાદ ભારતે પોતાની લય જાળવી રાખી અને હાફ ટાઈમ પહેલાં જ સરસાઈ મેળવી લીધી. 28મા મિનિટમાં નવનીત કૌરે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને 3-2ની સરસાઈ અપાવી.
બીજા હાફમાં બંને ટીમોએ અનેક તક ઊભી કરી, પરંતુ બંને તરફની રક્ષણપંક્તિ મજબૂત રહી. સમગ્ર મૅચમાં બંને ટીમોને છ-છ પેનલ્ટી કોર્નર મળ્યા, જોકે કોઈપણ ટીમ વધુ ગોલ કરી શકી નહીં.
ભારતે અંતિમ ક્ષણો સુધી સરસાઈ જાળવી રાખી અને મહત્વપૂર્ણ ત્રણ પોઈન્ટ પોતાના નામે કર્યા.
બે ગોલ કરનાર દીપિકાને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મૅચ પસંદ કરવામાં આવી.
આ જીત સાથે ભારતીય ટીમ પૂલ-એમાં ત્રણ અંક સાથે બીજા સ્થાને પહોંચી ગઈ. જાપાન પણ ત્રણ અંક પર છે, પરંતુ વધુ સારા ગોલ અંતરના કારણે ટોચ પર છે.
હવે ભારતીય મહિલા ટીમ, પોતાની આગામી મેચ 16 જૂને જાપાન સામે રમશે.
હિંદુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ