
મોસ્કો, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) ઈરાને શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સભ્ય દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા અને પુરવઠા તથા માંગના બહેતર સંકલન માટે એક એસસીઓ એનર્જી કન્સોર્ટિયમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મોસ્કોમાં આયોજિત એસસીઓ ઉર્જા મંત્રીઓની બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.
ઈરાનની સરકારી સમાચાર સંસ્થા પ્રેસ ટીવી અનુસાર, ઈરાનના નાયબ ઉર્જા મંત્રી મુસ્તફા રજાબીએ શનિવારે જણાવ્યું હતું કે, તેમના દેશે સભ્ય દેશોને એસસીઓ એનર્જી કન્સોર્ટિયમના નિયમો અને માળખા સંબંધિત એક ડ્રાફ્ટ પ્રસ્તાવ સોંપ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, એસસીઓ નેતાઓની આગામી શિખર સંમેલનમાં આ પ્રસ્તાવની સમીક્ષા કરવામાં આવશે અને તેને ઔપચારિક રીતે અપનાવવામાં આવી શકે છે.
રજાબીએ જણાવ્યું હતું કે, ઈરાને સભ્ય દેશોમાં વીજળીની અછતની સમસ્યાને પહોંચી વળવા માટે તેમના પાવર ગ્રીડને પરસ્પર જોડવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વિચાર સૌપ્રથમ વર્ષ 2024 માં એસસીઓની એક બેઠક દરમિયાન સામે આવ્યો હતો અને સભ્ય દેશોએ આ દિશામાં ઈરાન દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ દસ્તાવેજને આવકાર્યો છે.
તેમણે જણાવ્યું કે, ઈરાન સ્થાનિક સ્તરે સૌર ઉર્જા વિસ્તરણ કાર્યક્રમને ઝડપથી આગળ ધપાવી રહ્યું છે અને સાથે જ સહયોગી દેશો સાથે ઉર્જા ક્ષેત્રે ભાગીદારી વધારીને પોતાના વીજ ઉત્પાદન સ્ત્રોતોમાં વિવિધતા લાવવા માંગે છે.
રજાબીએ જણાવ્યું હતું કે, ઈરાન એસસીઓ દેશો વચ્ચે પ્રાદેશિક વીજળી વેપાર બજાર વિકસાવવા, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા અને ઉર્જા સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે દાવો કર્યો હતો કે, છેલ્લા એક વર્ષમાં ઈરાને પોતાની સૌર ઉર્જા ક્ષમતામાં પાંચ ગણો વધારો કર્યો છે. આ સાથે દેશ પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજનાઓ પર પણ કામ કરી રહ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, જો એસસીઓ અંતર્ગત એનર્જી કન્સોર્ટિયમની રચના થશે, તો તેનાથી સભ્ય દેશોના ઉર્જા માળખાને મજબૂત બનાવવામાં, પ્રાદેશિક ઉર્જા સુરક્ષા વધારવામાં અને આર્થિક સહયોગને નવી ગતિ મળવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ