
ભાવનગર, 24 જૂન (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ઉમરાળા તાલુકામાં ગેરકાયદેસર રીતે જવલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 11,337 લીટર જવલનશીલ પ્રવાહી સહિત કુલ રૂ. 10,67,308નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીનો સ્ટાફ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભાવનગર-રાજકોટ હાઇવે પર આવેલા ધરવાળા ગામના પાટિયા નજીક મઢુલી હોટલ સામે સ્થિત દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પેટ્રોલ કે ડીઝલ સિવાયના કોઈ જવલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન ત્યાં એસ્સાર કંપનીના નામે વાહનોમાં ફ્યુઅલ ભરવા માટે ઉપયોગમાં લેવાતું ડિસ્પેન્સર યુનિટ અને ભુગર્ભમાં લોખંડના ટાંકામાં મોટી માત્રામાં જવલનશીલ પ્રવાહી સંગ્રહિત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂ. 90 હજાર કિંમતનું ડિસ્પેન્સર યુનિટ, 11,337 લીટર જવલનશીલ પ્રવાહી કિંમત રૂ. 9,52,308 તેમજ ડીઝલ અને પેટ્રોલ લખાયેલું અન્ય એક બંધ હાલતનું ડિસ્પેન્સર યુનિટ કિંમત રૂ. 25 હજાર મળી કુલ રૂ. 10,67,308નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે સ્થળ પરથી જગદીશભાઈ ગીરધરભાઈ કાકડિયા (ઉંમર 32), રહેવાસી સુરત અને મૂળ અમરેલી જિલ્લાના મોટા બારમણ ગામના વતનીને ઝડપી લેવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA