
જામનગર, 24 જૂન (હિ.સ.) : જામનગર નજીક આવેલા વસઈ ગામ પાસેની એક ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં આજે બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.
આગ ફેક્ટરીની અંદર રાખવામાં આવેલા ચોકલેટના પ્લાસ્ટિક પેકિંગ મટીરિયલમાં લાગી હતી. પ્લાસ્ટિક હોવાને કારણે આગે ઝડપથી મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.
ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં એક ગાડી રવાના કરાઈ હતી, પરંતુ આગ વધુ હોવાથી બીજી ગાડી પણ મોકલવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારખાનામાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા, જેના કારણે તેમના જીવ જોખમમાં મુકાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી તે અંગે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ટેશન ફાયર ઓફિસર સુમડ ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે, બપોરે 2:14 કલાકે 112 કંટ્રોલ રૂમમાંથી વસઈ પાસે આવેલી સ્વાન ચોકલેટ ફેક્ટરીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક એક ફાયર ગાડી રવાના કરવામાં આવી હતી, પરંતુ આગ વધુ હોવાથી બીજી ગાડી પણ મોકલવામાં આવી હતી. તેમણે પુષ્ટિ કરી કે આગ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગથી થયેલા નુકસાનનો અંદાજ અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે અકસ્માત હોઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt