
છોટાઉદેપુર, 24 જૂન (હિ.સ.) : કદવાલ તાલુકાના કંડા ગામે 55 વર્ષીય મહિલાની નિર્દયી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘરનાં આંગણામાં લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે ઘટનાના ગણતરીના કલાકોમાં જ કદવાલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લેતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કંડા ગામના રહેવાસી મીના વિક્રમસિંહ પરમારનો મૃતદેહ તેમના ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો.તેમના માથા, મોઢા, બરડાના ભાગ તેમજ જમણા પગ પર ગંભીર ઇજાઓ જોવા મળી હતી. ઉપરાંત નાક, મોઢા અને કાનની આસપાસ લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકત્રિત કરીને અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની સઘન તપાસ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને કંડા ગામના ઠાકોર ફળિયામાં રહેતા સુરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુરેન્દ્રસિંહને એવો વહેમ હતો કે મૃતક મીનાબેન મેલી વિદ્યાની જાણકારી ધરાવે છે અને ટુચકા કરતા હોવાથી તેના પરિવારના સભ્યો વારંવાર બીમાર રહે છે. આ અંધશ્રદ્ધા અને વહેમના કારણે આરોપીએ મીનાબેન પ્રત્યે મનમાં શંકા રાખી હતી. જેના પરિણામે ઉશ્કેરાઈ જઈ આરોપીએ પાળીયા વડે ઘાતક હુમલો કરીને તેમની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કદવાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અંધશ્રદ્ધા અને વહેમના કારણે બનેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ