લખનૌ અને કેન્યાની દુર્ઘટનાના પીડિતોને મોરારી બાપુની સહાય, કુલ રૂ. 5.70 લાખની આર્થિક મદદ
ભાવનગર, 24 જૂન (હિ.સ.) : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બનેલી દુઃખદ આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના અકાળે અવસાન થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત માહિતી મુજબ એક કોચિંગ ક્લાસમાં આગ લાગવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ કરુ
મોરારીબાપુ ફાઇલ ફોટો


ભાવનગર, 24 જૂન (હિ.સ.) : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બનેલી દુઃખદ આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના અકાળે અવસાન થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત માહિતી મુજબ એક કોચિંગ ક્લાસમાં આગ લાગવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ ઘટના અંગે જાણ થતાં કથાકાર મોરારી બાપુએ દિવંગત વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સહાયરૂપે પ્રતિ પરિવાર રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 2,25,000ની સહાય રકમ અર્પણ કરી છે. આ સહાય રકમ રામકથાના શ્રોતાઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

આ ઉપરાંત આફ્રિકાના પશ્ચિમ કેન્યાના પોકોટ વિસ્તારમાં બનેલી ખાણ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હતા, જ્યારે કાજીઆડો પ્રાંતમાં એક મકાન ધરાશાયી થતાં વધુ ચાર લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. આ બંને દુર્ઘટનાઓના સમાચાર મળતાં મોરારી બાપુએ ઊંડી વ્યથા વ્યક્ત કરી હતી અને પીડિત પરિવારોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો.

બાપુ દ્વારા કેન્યાની બંને દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા કુલ 23 લોકોના પરિવારજનોને પ્રતિ પરિવાર રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 3,45,000ની સહાયતા રકમ અર્પણ કરવામાં આવી છે. નૈરોબીમાં યોજાયેલી રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાય સ્થાનિક ચલણમાં સંબંધિત પરિવારો સુધી પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરારી બાપુએ બંને દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ હનુમાનજીના ચરણોમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ શોકગ્રસ્ત પરિવારજનોને ધીરજ અને શક્તિ મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. માનવતા અને કરુણાના સંદેશ સાથે આપવામાં આવેલી આ સહાય સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande