
ભાવનગર, 24 જૂન (હિ.સ.) : ભાવનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ઝડપી કામગીરી કરીને ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સોનાના દાગીના તથા કાર સહિત કુલ રૂ.1,36,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ મહુવા સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડલી ચોકડી પાસે GJ-07-AG-6873 નંબરની કારમાં એક પુરુષ અને એક મહિલા સોનાના દાગીના સાથે બેઠા છે અને આ દાગીના ચોરીના હોવાની શક્યતા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કારમાં બેઠેલા બંને શખ્સો પાસે રહેલા સોનાના દાગીનાઓ અંગે આધાર પુરાવા કે બિલ માંગવામાં આવ્યા હતા. જોકે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસે દાગીનાઓને શકાસ્પદ મિલકત તરીકે કબ્જે લઈ બંનેની અટકાયત કરી હતી.
વધુ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તા. 22 જૂન, 2026ના રોજ મહુવા શહેરના શાકમાર્કેટ નજીક આવેલા બજારમાં ખરીદી કરવા આવેલી બે મહિલાઓના બાળકોના ગળામાં પહેરેલા સોનાના પેન્ડન્ટ નજર ચૂકવી ચોરી કર્યા હતા અને બાદમાં કારમાં ફરાર થઈ ગયા હતા.
પોલીસે આરોપી વિક્રમભાઈ નાનુભાઈ વાઘેલા (ઉ.વ.22) અને સંગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.વ.20), રહે. શક્તિનગર, પાલીતાણા, જિલ્લો ભાવનગરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચાર સોનાના પેન્ડન્ટ મળી કુલ રૂ.36,500ના દાગીના તેમજ રૂ.1 લાખ કિંમતની મારુતિ અલ્ટો કાર મળી કુલ રૂ.1,36,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે તેમને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA