
કાર્ડિફ (યુકે), નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચેના મતભેદોની અટકળોને ફગાવતા કહ્યું કે, બંને વચ્ચે નિયમિત વાતચીત થાય છે અને તેમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.
ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં ભારતની 4 વિકેટે હાર પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોટકે સ્પષ્ટ કર્યું કે, પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી સાથે તેમની વાતચીત ફક્ત બેટિંગ સંબંધિત ટેકનિકલ પાસાઓ પર હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું ,કે શું તેઓ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે સંવાદનું માધ્યમ બન્યા છે, ત્યારે કોટકે કહ્યું, ના, વિરાટ અને ગૌતમ આજે જ કદાચ 10-12 વાર વાત કરી ચૂક્યા હશે. મને નથી લાગતું કે તેમને કોઈ પુલની જરૂર છે.
બેટિંગ પર થઈ હતી ચર્ચા
કોટકે જણાવ્યું કે, વિરાટે પોતે બેટિંગ સંબંધિત કેટલાક પાસાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, આટલા અનુભવી બેટ્સમેનને જરૂર વગર ટેકનિકલ સલાહ આપવી યોગ્ય નથી.
તેમણે કહ્યું, વિરાટ બેટિંગ માટે જતા પહેલા કેટલીક બાબતો પર વાત કરવા માંગતા હતા. સાચું કહું તો, જ્યાં સુધી તેમને પોતે કોઈ વાતની જરૂર ન લાગે અથવા કોઈ મોટી ટેકનિકલ બાબત ન દેખાય, ત્યાં સુધી તેમની બેટિંગમાં વધુ દખલ ન કરવી જોઈએ. તેમણે ફૂટવર્ક અને કેટલાક અન્ય પાસાઓ અંગે મારી સાથે ચર્ચા કરી હતી અને નેટ્સ પછી પણ આ જ વિષય પર વાત થઈ.
અફવાઓને પાયાવિહોણી ગણાવી
કોટકે કોહલી અને ગંભીરના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી.
તેમણે કહ્યું, આ અફવાઓની વાત કરીએ તો, મને ખબર નથી કે તે ક્યાંથી આવે છે, પરંતુ તે ચોક્કસપણે આવે છે.
બીજી વનડેમાં ઇંગ્લેન્ડે વાપસી કરી
મેચની વાત કરીએ તો, સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફમાં રમાયેલી બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી દીધી.
234 રનના લક્ષ્યનો પીછો કરતા જો રૂટે અણનમ 99 રનની શાનદાર ઇનિંગ રમી. તેમણે વિલ જેક્સ (30) સાથે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી, જ્યારે ગસ એટકિન્સન 23 રન બનાવીને અણનમ પાછા ફર્યા. ઇંગ્લેન્ડે લગભગ 6 ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું.
આ પહેલા ભારતે વિરાટ કોહલી (65) અને શ્રેયસ ઐયર (66) ની અડધી સદીઓની મદદથી 44 ઓવરમાં 233 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 31 અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા, જ્યારે બીમાર કેએલ રાહુલની જગ્યાએ રમતા ઇશાન કિશન ફક્ત 1 રન બનાવી શક્યા.
ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સને 3-3 વિકેટ લીધી, જ્યારે સાકિબ મહમૂદને 2 સફળતા મળી.
હવે 3 મેચની વનડે શ્રેણીનો નિર્ણય 19 જુલાઈના રોજ લોર્ડ્સમાં રમાનારી ત્રીજી અને અંતિમ મેચમાં થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ