
નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.) અભિનેતા રણદીપ હુડ્ડાએ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મોટી સિદ્ધિ હાંસલ કરતા, ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે સર્વશ્રેષ્ઠ નવોદિત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામે કર્યો છે. નિર્દેશક તરીકે આ તેમની પહેલી ફિલ્મ હતી, જેના માટે તેમને દેશના સર્વોચ્ચ ફિલ્મ સન્માનથી નવાજવામાં આવ્યા. ખાસ વાત એ છે કે રણદીપે આ ફિલ્મમાં નિર્દેશન સાથે-સાથે મુખ્ય ભૂમિકા ભજવી અને સહ-લેખનની જવાબદારી પણ સંભાળી.
રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર રણદીપે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ તેમના જીવનનો અત્યંત ભાવુક અને અવિસ્મરણીય ક્ષણ છે. તેમણે કહ્યું, ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે સર્વશ્રેષ્ઠ નવોદિત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવો એવી ક્ષણ છે, જેને હું હજુ પણ સંપૂર્ણપણે અનુભવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ફિલ્મે મારાથી તેના કરતાં ઘણું વધારે માંગ્યું, જેટલું મેં મારા કોઈપણ કામમાં આપ્યું હતું. દરેક વળાંક પર પડકારો હતા, પરંતુ અમે હાર ન માની અને અંત સુધી અડગ રહ્યા.
રણદીપે કહ્યું કે, એક અભિનેતા, સહ-લેખક અને પહેલીવાર નિર્દેશક તરીકે તેમણે આ ફિલ્મમાં પોતાનું સંપૂર્ણ સમર્પણ આપ્યું, કારણ કે તેમના માટે વીર સાવરકરની વાર્તાને ઈમાનદારી અને સંવેદનશીલતા સાથે પડદા પર લાવવી મોટી જવાબદારી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મ નિર્માણ દરમિયાન આવેલી મુશ્કેલીઓ વીર સાવરકરના સંઘર્ષ અને બલિદાનો સામે કંઈ જ નહોતી. રણદીપે પોતાની આખી ટીમનો આભાર વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી કે, આ ફિલ્મ નવી પેઢીને વીર સાવરકરના જીવન અને તેમના યોગદાનને જાણવા માટે પ્રેરિત કરશે.
'સ્વાતંત્ર્ય વીર સાવરકર'માં રણદીપ હુડ્ડાએ માત્ર પ્રભાવશાળી નિર્દેશન જ ન કર્યું, પરંતુ વીર સાવરકરની ભૂમિકા ભજવવા માટે નોંધપાત્ર શારીરિક પરિવર્તન પણ કર્યું. તેમના અભિનય અને ફિલ્મની પ્રસ્તુતિને દર્શકો અને વિવેચકો તરફથી પ્રશંસા મળી હતી, જેને હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના રૂપમાં પણ મોટી માન્યતા મળી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ