
કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ વોચ અને બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની સતર્કતા વધુ એક વખત સ્પષ્ટ થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એસઓજીની ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે નવીનાળ-સીરાચા રોડ પર બરસાના એસોસિયેટ કોલોની તરફ જતાં માર્ગ પર એક વ્યક્તિ માદક પદાર્થ સાથે અવરજવર કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી સઘન દેખરેખ ગોઠવી હતી. શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે 1.785 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 89,250 જેટલી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 5,000 હોવાનું જાણવા મળ્યું છે. આમ કુલ રૂ. 94,250નો મુદ્દામાલ પોલીસે પોતાના કબ્જામાં લીધો છે.
પકડાયેલા આરોપીની ઓળખ 28 વર્ષીય સાજનકુમાર નારદ મંડલ તરીકે થઈ છે. તે મૂળ બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લાના રૂપૌલી તાલુકા વિસ્તારમાં આવેલ અરજપુર પોસ્ટ હેઠળના લક્ષ્મીનીયા ગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી કચ્છમાં શા માટે આવ્યો હતો અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર સફળ કામગીરી પશ્ચિમ કચ્છ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટી.બી. રબારી સહિતની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી. પોલીસે આરોપી સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સતત ચલાવવામાં આવતી ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar