નવસારીમાં પૂર રાહત માટે સુરત મહાનગરપાલિકાની મોટી મદદ, 100થી વધુ કર્મચારીઓ અને ભારે મશીનરી તૈનાત
નવસારી, 26 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા સુરત મહાનગરપાલિકા (SMC) મદદ માટે આગળ આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ SMC દ્વારા પૂરગ્રસ્ત વિસ્તાર
સુરત મહાનગરપાલિકાની તમામ ટીમ


નવસારી, 26 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા સુરત મહાનગરપાલિકા (SMC) મદદ માટે આગળ આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ SMC દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, સફાઈ અને આરોગ્ય સંબંધિત કામગીરી માટે વિશેષ ટીમો મોકલવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 100થી વધુ કર્મચારીઓ તેમજ ભારે મશીનરીનો કાફલો નવસારી રવાના કરવામાં આવ્યો છે. પૂરનું પાણી ઓસર્યા બાદ કાદવ અને કચરો દૂર કરવો તેમજ રોગચાળાને અટકાવવા માટે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

રાહત કામગીરી અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની બે વિશેષ ટીમો, જેમાં કુલ 14 જવાનો સામેલ છે, નવસારી મોકલવામાં આવી છે. તેમની સાથે એક ફાયર એન્જિન અને બૂમ મોનિટરથી સજ્જ એક વોટર બાઉઝર પણ મોકલવામાં આવ્યું છે, જે બચાવ અને રાહત કામગીરીમાં ઉપયોગી બનશે.

આ ઉપરાંત, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા માટે આરોગ્ય વિભાગના 100 કર્મચારીઓની ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે કાર્યરત કરવામાં આવી છે. ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને આરોગ્ય સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે.

મલબો, કાદવ અને કચરો ઝડપથી દૂર કરવા માટે 10 JCB, 20 ટ્રેક્ટર/ટેમ્પો અને 5 ટ્રક સહિતની ભારે મશીનરી પણ નવસારી મોકલવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની તમામ ટીમો નવસારી જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને રાહત, બચાવ, સફાઈ અને અન્ય આવશ્યક સેવાઓમાં સક્રિય સહયોગ આપી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી જનજીવન સામાન્ય બનાવવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande