
નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026’ ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો અને તેમના અનુભવો જાણ્યા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, દેશના યુવાનો વિકસિત ભારતની ઊર્જા છે અને તેના સૌથી મોટા લાભાર્થી છે. આવા સંજોગોમાં યુવા શક્તિ જો દેશના પડકારો અને સમાધાનો સાથે સીધી રીતે જોડાય તો દેશનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ બનશે.
વડાપ્રધાને આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી, દેશભરના લગભગ 250 જિલ્લાના યુવાનો સાથે જોડાયા ત્યારે તેમણે કહ્યું કે, દેશના યુવાનોના જમીન સાથે જોડાવાથી વિકસિત ભારતના વિઝનને વ્યાપકતા મળે છે. આનાથી તેમનામાં દેશ માટે જીવવાનો અને કંઈક કરવાનો સંકલ્પ મજબૂત થાય છે.
વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકારે દેશના સરહદી ગામોને પ્રથમ ગામ માનીને ત્યાં સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું છે. આ ગામોમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના ખૂબ જ વધારે છે. થોડા સમય પહેલા સુધી સરહદી ગામોને અંતિમ ગામ માનીને તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ હતો. આજે અહીં સારી કનેક્ટિવિટી છે અને પર્યટન ખીલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 નું આયોજન બે તબક્કામાં 4 જૂન થી 30 જૂન 2026 સુધી કરવામાં આવ્યું. આમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાઇબ્રન્ટ ગામોને સામેલ કરવામાં આવ્યા. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા 400 થી વધુ યુવા સહભાગીઓની પસંદગી એક રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધાના માધ્યમથી કરવામાં આવી. આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ત્રણ લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો.
આ કાર્યક્રમ અંતર્ગત, સહભાગીઓએ સ્થાનિક સમુદાયો સાથે રહીને સ્વચ્છતા અભિયાન, સરકારી યોજનાઓ પર જાગૃતિ અભિયાન, યુવા સંમેલન, સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ, વૃક્ષારોપણ અભિયાન, લઘુ પંચાયત મોડેલ સિમ્યુલેશન, સ્થાનિક કારીગરો સાથે વાતચીત અને વ્યૂહાત્મક મહત્વની સંસ્થાઓની મુલાકાત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ કાર્યક્રમે સહભાગીઓને ભારતના સરહદી વિસ્તારોના સામાજિક-આર્થિક પરિદૃશ્ય, સાંસ્કૃતિક વારસો અને વિકાસ સંબંધિત આકાંક્ષાઓનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડ્યો તેમજ સામુદાયિક ભાગીદારી, રાષ્ટ્રીય એકતા અને સરહદી ગામોના વ્યૂહાત્મક મહત્વની ઊંડી સમજને પ્રોત્સાહન આપ્યું.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ