
અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.અમદાવાદ અને આસપાસના તલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધંધુકા અને ધોલેરામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
અતિશય વરસાદ અને પાણીની આવકને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય તરફથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. સ્થિતિની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે, જે બોટની મદદથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમનો 54.28% થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મિમી વરસાદ પડ્યો છે. મુખ્યત્વે છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવ-થરાદના રાહમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે.
વિભાગ વાઈઝ જોઈએ તો- દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58%, સૌરાષ્ટ્રમાં 43.75%, ઉત્તર ગુજરાતમાં 41.25% અને કચ્છમાં 19.05% વરસાદ થયો છે.
આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વધુ બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઇંચ ખાબક્યો છે. અમદાવાદમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સવારના સ્કૂલે-નોકરીએ જતાં લોકો માટે વરસાદ બાધારૂપ બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ