બાપુનગરમાં ચાલુ એએમટીએસ બસમાં આગ, મુસાફરોમાં અફરાતફરી
અમદાવાદ, 27 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના બાપુનગરમાં મણીનાગરથી નીકળેલી 300 નંબરની એએમટીએસ બસમાં અચાનક ભીષણ આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અનુપમ કોલોની પાસે ડીમાર્ટ પાસે આજે 27 જુલાઈએ વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગવા
Fire breaks out in AMTS bus in Bapunagar


અમદાવાદ, 27 જુલાઇ (હિ.સ.) : અમદાવાદના બાપુનગરમાં મણીનાગરથી નીકળેલી 300 નંબરની એએમટીએસ બસમાં અચાનક ભીષણ આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અનુપમ કોલોની પાસે ડીમાર્ટ પાસે આજે 27 જુલાઈએ વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી.

એન્જિનના આગળના ભાગે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેના પગલે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.

બસમાં રહેલા તમામ મુસાફરોને ડ્રાઇવરે નીચે ઉતારી દીધા હતા. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

મળતી માહિતી મુજબ શહેરના બાપુનગર ડી માર્ટ પાસે સવારે 7 વાગ્યાની આસપાસ 300 નંબરની સર્ક્યુલર રૂટની બસ પસાર થતી હતી. તે દરમિયાનમાં અચાનક જ આગળના ભાગે એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ધુમાડા નીકળ્યા હતા. જેથી ડ્રાઇવરે બસ ઉભી રાખી દીધી હતી અને તાત્કાલિક ધોરણે તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરો અને ડ્રાઇવર સહિતના લોકો નીચે ઉતરી ગયા હતા.

ડ્રાઇવર દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતી.

ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની શરૂઆત કરી હતી. એન્જિનમાં બસના આગળના ભાગે આગ લાગેલી હતી. જેને ફાયર બ્રિગેડે બુજાવી દીધી હતી. રોડ ઉપર બસમાં આગ લાગવાની ઘટના બનતા ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક જામની સ્થિતિને અટકાવી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande