
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) થલાપતિ વિજયની રાજકીય એક્શન ડ્રામા ફિલ્મ 'જન નાયકન' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. 23 જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના ચાર દિવસમાં ઘરેલું અને વિદેશી બજારમાં દમદાર કમાણી કરતા વિશ્વભરમાં 217.48 કરોડ રૂપિયાનો કારોબાર કરી લીધો છે. જોકે, ફિલ્મને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ દર્શકોનો ભરપૂર સમર્થન તેને બોક્સ ઓફિસ પર સતત આગળ વધારી રહ્યું છે.
સૈકનિલ્કના શરૂઆતી આંકડા અનુસાર, ફિલ્મે રિલીઝના ચોથા દિવસે ભારતમાં 32 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. તેમાં તમિલ સંસ્કરણમાંથી 27.30 કરોડ રૂપિયા, હિન્દીમાંથી 3.35 કરોડ રૂપિયા અને તેલુગુમાંથી 1.35 કરોડ રૂપિયાની કમાણી શામેલ છે. આ પહેલાં, ફિલ્મે પહેલા દિવસે 42.70 કરોડ રૂપિયા, બીજા દિવસે 21.15 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 28.90 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. આ સાથે જ, ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ નેટ કમાણી 124.75 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
એસ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રકાશ રાજ અને પ્રિયામણિ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. વિદેશોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ચોથા દિવસે વિદેશી બજારમાંથી 10 કરોડ રૂપિયાની કમાણી સાથે તેનું ઓવરસીઝ કલેક્શન 71.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે ફિલ્મનો વૈશ્વિક કુલ કારોબાર 217.48 કરોડ રૂપિયા નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ