
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.) ફિલ્મ નિર્માતા કરણ જોહરના ચર્ચિત રિયાલિટી શો 'ધ ટ્રેઇટર્સ ઇન્ડિયા' ની બીજી સીઝનની રિલીઝ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોએ, શોનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરતા જણાવ્યું કે, 'ધ ટ્રેઇટર્સ ઇન્ડિયા 2' નું પ્રીમિયર 13 ઓગસ્ટ 2026 થી થશે. પ્રથમ સીઝનની સફળતા પછી કરણ જોહર ફરી એકવાર શોની યજમાની કરતા જોવા મળશે.
રિલીઝ થયેલા ટ્રેલરમાં કરણ જોહર પ્રથમ સીઝનની યાદોને, તાજી કરતા નવા સીઝનના રોમાંચની ઝલક બતાવે છે. આ વખતે શોમાં 21 સ્પર્ધકો ભાગ લેશે, જેઓ રણનીતિ, વિશ્વાસ અને છેતરપિંડીની રમત વચ્ચે પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. ટ્રેલરમાં અભિનેત્રી મલ્લિકા શેરાવત અને કોમેડિયન મુનવ્વર ફારૂકીને પ્રથમ બે સ્પર્ધકો તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
નિર્માતાઓ અનુસાર, નવી સીઝનમાં સસ્પેન્સ, રણનીતિ અને રોમાંચ પહેલા કરતા ક્યાંય વધુ જોવા મળશે. શોના નવા એપિસોડ દર ગુરુવારે પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકોમાં બીજી સીઝનને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ