
કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના નોંધપાત્ર કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉ ટેન્કરમાં ગુપ્ત ખાના બનાવી રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લાવવાના કેસમાં ટેન્કર ચાલકની ધરપકડ બાદ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી. હવે આ જ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર બે મુખ્ય આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
અગાઉ મચ્છુનગર રોડ પરથી GJ-33-T-5925 નંબરના ટેન્કરમાં ગુપ્ત ખાના બનાવી છુપાવવામાં આવેલી વિદેશી દારૂની પેટીઓ સાથે ટેન્કર ચાલક મોટારામ પુનમારામ જાટની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનથી વેચાણ માટે દારૂ મંગાવનાર બે આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે ચંદન ગોપાલ ગુપ્તા, રહેવાસી મેઘપર બોરીચી, અંજાર અને રાહુલસિંહ ધનશ્યામસિંહ જાડેજા, રહેવાસી પારસનગર, મેઘપર બોરીચીની ધરપકડ કરી છે.
બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુનામાં તેમની સંડોવણી સામે આવતા તેમની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar