દેવપર-યક્ષ નજીક સ્વિફ્ટ કારમાંથી રૂ.2.45 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ચાલક ફરાર
કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે નખત્રાણા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. દેવપર-યક્ષ ગામથી શિવનગર તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ
દેવપર યક્ષ ખાતે થી પકડાયેલો મુદ્દામાલ


કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે નખત્રાણા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે. દેવપર-યક્ષ ગામથી શિવનગર તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની હાજરીનો અણસાર મળતા જ કારનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડના દારૂની કુલ નવ પેટીઓ કબ્જે કરી હતી. તપાસ દરમિયાન વ્હાઇટ લેસ વોડકાના 90 ક્વાર્ટર, વિવિધ બ્રાન્ડની 51 અંગ્રેજી દારૂની બોટલો તેમજ અલગ-અલગ બ્રાન્ડના 48 બીયરના ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કિંમત સાથે ઘટનાસ્થળેથી મળી આવેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમત ઉમેરતા કુલ રૂ. 2,45,025નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં કારનો નોંધણી નંબર GJ 01 KD 2454 હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાહન કબ્જે કરીને તેના માલિક તેમજ ફરાર થયેલા ચાલકની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો જથ્થો કયા સ્થળે પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે ટેકનિકલ પુરાવા, વાહનની વિગતો અને અન્ય માહિતીના આધારે ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી શકાશે.

આ સમગ્ર કાર્યવાહી નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, માધુભા જાડેજા, મોહનભાઈ ગઢવી, મીતકુમાર પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ ચૌધરી અને નિલેશભાઈ સોલંકીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રોહિબિશનના ગુનાઓને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાતા આવા ગેરકાયદે કારોબાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande