અંકલેશ્વરમાં સ્વયંભૂ શિવાયલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસથી ‘ભાતીગળ મેળો’ ફરી શરૂ થશે
અતિ પ્રાચીન અને પૌરાણિક અંદાજિત 400 વર્ષ ઉપરાંત જૂનું છે શ્રી રત્નેશ્વર મહાદેવ ભરૂચ 28 જુલાઈ (હિ.સ.) કાળક્રમે અને સમયની સાથે વિસરાઈ ગયેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકપરંપરાને પુનઃજીવંત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ અંકલેશ્વર ખાતે કરવામાં આવી
અંકલેશ્વરમાં સ્વયંભૂ શિવાયલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસથી ‘ભાતીગળ મેળો’ ફરી શરૂ થશે


અતિ પ્રાચીન અને પૌરાણિક અંદાજિત 400 વર્ષ ઉપરાંત જૂનું છે શ્રી રત્નેશ્વર મહાદેવ

ભરૂચ 28 જુલાઈ (હિ.સ.) કાળક્રમે અને સમયની સાથે વિસરાઈ ગયેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોકપરંપરાને પુનઃજીવંત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ અંકલેશ્વર ખાતે કરવામાં આવી રહ્યો છે. આગામી પવિત્ર શ્રાવણ મહિનાથી અંકલેશ્વર શહેરમાં ‘ભાતીગળ મેળો’ ફરીથી શરૂ કરવાનો ભવ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.

અતિ પ્રાચીન અને પૌરાણિક અંદાજિત 400 વર્ષ ઉપરાંત જૂનું એવું ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભરૂચી નાકા સ્થિત આવેલ સ્વયંભૂ શિવાયલ એટલે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર ખાતે થોડા વર્ષો પૂર્વે દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે ભાતીગળ મેળાનું ખૂબ સુંદર આયોજન થતું હતું, પરંતુ સમયની સાથે એ વિસરાઈ ગયું હતું.

આ આયોજનનો મુખ્ય હેતુ અંકલેશ્વર નગરના સમસ્ત હિંદુ સમાજના લોકોને એક જ સ્થાન પર એકત્રિત કરવાનો છે, જ્યાં સહુ સાથે મળીને દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ શકે. આ મેળો માત્ર મનોરંજનનું માધ્યમ ન બની રહેતાં, સનાતન સંસ્કૃતિને આગળ વધારવા અને આપણી સમૃદ્ધ લોકપરંપરાથી આજના નવી પેઢીને માહિતગાર કરવાનો એક સશક્ત મંચ બનશે.

હવે એ જ ભાતીગળ મેળો આગામી શ્રાવણ મહિનાથી ફરીથી શરુ થઈ રહ્યો છે જ્યાં અંકલેશ્વર નગરના સમસ્ત હિંદુ સમાજના લોકો ફરીથી એક સ્થાન ઉપર ભેગા થાય અને મહાદેવની ભક્તિમાં લીન થઈ સનાતન સંસ્કૃતિને આગળ વધારી આપણી લોક પરંપરાને આજની નવી પેઢી સારી રીતે જાણે અને હિંદુ હિતાર્થે કામ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારનું ભગીરથ અને મોટું કાર્ય માત્ર એક વ્યક્તિ કે અમુક જૂથથી શક્ય નથી. આ માટે સમગ્ર સમાજે ‘એક વિચાર, એક મંચ અને એક નિર્ણય’ સાથે એકજુટ થવું અનિવાર્ય છે. સનાતન સંસ્કૃતિના જતન અને હિંદુ હિતાર્થે હાથ ધરાયેલા આ કાર્યમાં શહેરના સમસ્ત નગરજનોને સાથ-સહકાર આપી આયોજનને સફળ બનાવવા ઉત્સાહભેર જોડાવા નમ્ર અનુરોધ અને અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande