


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા સોનમ સુનાર હત્યા કેસને લઈને હવે સામાજિક સ્તરે પણ ન્યાયની માંગ વધુ પ્રબળ બની છે. નેપાળી મૂળની પરિણીત સોનમ સુનારના મોતના બનાવને ગંભીરતાથી લઈ કચ્છ ગોરખા સમાજે પૂર્વ કચ્છ પોલીસ સમક્ષ આવેદનપત્ર રજૂ કરીને સમગ્ર કેસની તટસ્થ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. સમાજના આગેવાનોનું માનવું છે કે પીડિતાને યોગ્ય અને સમયસર ન્યાય મળે તે માટે તપાસના દરેક પાસાને ગંભીરતાથી ચકાસવો જરૂરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતી સોનમ સુનારે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ સુલતાન જુસબ સુમરા સાથે સંસાર શરૂ કર્યો હતો. જોકે થોડા દિવસો પહેલાં બનેલી ઘટનામાં પતિ દ્વારા મારપીટ કરવામાં આવતા સોનમનું મૃત્યુ થયું હોવાનો આરોપ સામે આવ્યો હતો. બનાવની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને કચ્છ ગોરખા સમાજના પ્રમુખ વિશાલ થાપાના નેતૃત્વમાં તેમજ સનાતન શ્રી રામ સંગઠન ટ્રસ્ટના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ મહારાણા પ્રતાપ સર્કલથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી સુધી શાંતિપૂર્ણ પદયાત્રા યોજી હતી. ત્યારબાદ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપરત કરી કેસની દરેક દિશામાં નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનમાં જણાવાયું છે કે અત્યાર સુધી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી સંતોષકારક અને સંવેદનશીલ રહી છે, છતાં તપાસ માત્ર એક જ દિશામાં મર્યાદિત ન રહેવી જોઈએ. જો આ હત્યા પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કડી બાકી રહી ગઈ હોય તો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
સમાજના આગેવાનોએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે પીડિત પરિવારને લાંબા સમય સુધી ન્યાયની રાહ જોવી ન પડે તે માટે સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને દોષિતોને કડક સજા મળે. આ રજૂઆત દ્વારા ગોરખા સમાજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓ સામેના ગંભીર ગુનાઓમાં નિષ્પક્ષ તપાસ અને ઝડપી ન્યાય જ સમાજમાં વિશ્વાસ જાળવી રાખવાનો સૌથી અસરકારક માર્ગ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar