ખટોદરાની શાળામાં કરૂણ અકસ્માત: વીજકરંટ લાગતાં ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત
સુરત, 28 જુલાઈ (હિ.સ.) સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16 (ઉર્દૂ શાળા)માં સોમવારે પીટીના પિરિયડ દરમિયાન દુઃખદ ઘટના બની હતી. વિદ્યાર્થીઓને ટેરેસ પર લઈ જવામાં આવ્યા બાદ પરત નીચે ઉતરતી વખતે ધોરણ-9માં અભ્યાસ કરતો અબ્દુલ રહેમાન મહમદ સલી
Surat


સુરત, 28 જુલાઈ (હિ.સ.) સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16 (ઉર્દૂ શાળા)માં સોમવારે પીટીના પિરિયડ દરમિયાન દુઃખદ ઘટના બની હતી. વિદ્યાર્થીઓને ટેરેસ પર લઈ જવામાં આવ્યા બાદ પરત નીચે ઉતરતી વખતે ધોરણ-9માં અભ્યાસ કરતો અબ્દુલ રહેમાન મહમદ સલીમ વીજકરંટની ઝપેટમાં આવી ગયો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શાળા પરિસરમાં રમતનું મેદાન હોવા છતાં વિદ્યાર્થીઓને ટેરેસ પર લઈ જવાના નિર્ણયને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ઘટના બાદ મૃતકના પરિવારજનોએ શાળા તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનો દાવો છે કે વરસાદી મોસમમાં વીજ સુરક્ષાની પૂરતી તપાસ કરવામાં આવી નહોતી અને અકસ્માત બાદ પણ તેમને સમયસર જાણ કરવામાં આવી નહોતી. બીજી તરફ, ઘટનાના સાક્ષી રહેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અબ્દુલ રહેમાન દીવાલ તરફ દોડ્યો ત્યારે ખુલ્લા વાયર અથવા વીજપ્રવાહ ધરાવતા ભાગના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી, છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.

આ સમગ્ર મામલે શાળા સંચાલન દ્વારા બેદરકારીના આરોપોને નકારવામાં આવ્યા છે, જ્યારે ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ શાસનાધિકારી ધર્મેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande