માંડવીમાં ‘નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી 18 શિક્ષકોનું ગૌરવપૂર્ણ સન્માન, ગુણવત્તાયુક્ત શિક્ષણને મળ્યું પ્રોત્સાહન
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) માંડવી તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિરાયતન વિદ્યાપીઠ સ્થિત બી.આર.સી. ભવન ખાતે ‘નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-2ના તમામ વિદ્યાર્થીઓને
માંડવી ખાતે શિક્ષકોને અપાયા એવોર્ડ


માંડવી ખાતે શિક્ષકોને અપાયા એવોર્ડ


માંડવી ખાતે શિક્ષકોને અપાયા એવોર્ડ


કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) માંડવી તાલુકામાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિરાયતન વિદ્યાપીઠ સ્થિત બી.આર.સી. ભવન ખાતે ‘નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-2ના તમામ વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણિતમાં સંપૂર્ણ નિપુણ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા 18 શિક્ષકોને આ પ્રસંગે વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ટાટા પાવર કોમ્યુનિટી ટ્રસ્ટના આર્થિક સહયોગ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર મેહુલ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું મનોબળ વધાર્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિજેતા શિક્ષકોને શિલ્ડ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત બે પ્રોજેક્ટ સાથે જોડાયેલા શિક્ષકો તેમજ શિક્ષણક્ષેત્રે સહયોગ આપનારા ત્રણ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારીયા, વિરાયતન સંસ્થાના ટ્રસ્ટીઓ, વિવિધ શિક્ષણવિદો, ટાટા પાવર કોમ્યુનિટી ટ્રસ્ટના પ્રતિનિધિઓ, ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મા પટેલ, નેહા ગઢવી, માણશી ગઢવી, નિશા છત્રાળા, સુમનકુમાર પટેલ, ગુલાબ અદેપાલ, કુસુમ પટેલ, જુગની નાથાણી, વલુબેન રબારી, સંગીતા રાજગોર, મહેશ્વરી રાવળ, લતા પ્રજાપતિ, સોનલ ગઢવી, ભરતકુમાર પટેલ, મૃદુલા રાજગોર, તેજસ પુરોહિત, કોમલ ગઢવી અને અજયકુમાર ગોકુલગાંધી સહિતના શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક સમાજ માંડવી તરફથી પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ પણ શિક્ષકોને આર્થિક પ્રોત્સાહન આપી તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

સંજય પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણિતની મજબૂત પાયાની રચના અત્યંત આવશ્યક છે અને દરેક શિક્ષકે આ દિશામાં સમર્પિત પ્રયાસો કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાના પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે, જે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે ગૌરવની બાબત છે. તેમણે રાજ્યમાં આવી પહેલ કરનાર માંડવી તાલુકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી અન્ય તાલુકાઓ માટે પણ પ્રેરણારૂપ બનવા શુભેચ્છા વ્યક્ત કરી હતી.

સમારોહ દરમિયાન પ્રોજેક્ટ મેનેજર જ્યોત્સના ભેદા અને કાનજી મહેશ્વરીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મેહુલ શાહ, સંજય પટેલ, બિપીન પટેલ, જતીન પેથાણી અને ગૌરાંગ સોમૈયા સહિતની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશ ભટ્ટે કર્યું હતું, જ્યારે અંતે જ્યોત્સના ભેદાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande