

પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ ટીમ મેનેજર (ATMA) રાજભાઈ કારેણા દ્વારા જિલ્લાની અંદર તાલીમ કાર્યક્રમ અન્વયે રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવામાં આવી હતી.
જેમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો એટલે કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક અસ્ત્રો જેવા કે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણ અર્કનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ ખરીફ પાક, પિયત અને બિનપિયત પાકો તથા બાગાયતી પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ સાથે રાસાયણિક ખાતર તરીકે ડી.એ.પી.ના ઉપયોગમાં ઘટાડો કરી જીવામૃત અને ઘન જીવામૃતનો વ્યાપ વધારવા માટે મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya