
- વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઇન પિન ખરીદી અને રજિસ્ટ્રેશન કરાવી શકશે
અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં ધોરણ-12 સાયન્સ પછી મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ વર્ષની બેઠકો પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન PIN ખરીદી, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા આતુર વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ની ખરીદી કરી શકશે તેમજ પ્રવેશ સમિતિની પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.
રજિસ્ટ્રેશન બાદ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નિયત કરાયેલા હેલ્પ સેન્ટરો પર દસ્તાવેજોની ચકાસણી અને પ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે.
પ્રવેશ સમિતિએ તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ યુજી અને પીજી મેડિકલ કોર્સીસ દ્વારા મેડિકલની 41 કોલેજની 7500 અને ડેન્ટલની 13 કોલેજની 1255 બેઠક પર પ્રવેશ માટે કાઉન્સેલિંગ (પિન વિતરણ, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન) કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ બપોરે 12 સુધી સુધી પીનની ખરીદી અને રજીસ્ટ્રેશન કરી શકશે.
ઓનલાઈન PIN મેળવવા માટે વિદ્યાર્થીઓએ ₹1000 (નોન-રિફંડેબલ) અને ₹10,000 (રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ) એમ મળીને કુલ ₹11,000 ચૂકવવાના રહેશે. રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યભરમાં કુલ 28 હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.
ઓલ ઇન્ડિયા ક્વોટાની ગુજરાતની 285 સહિતની દેશની 29 હજાર બેઠક પર પ્રવેશ માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશનનો 4 ઓગષ્ટથી પ્રારંભ થશે.જેમાં રાજ્યની 41 કોલેજોની 7500 બેઠકમાંથી 285 બેઠકો અને દેશના 35 રાજ્યોની 400થી વધુ કોલેજોની 1.29 લાખ બેઠકોમાંથી 29 હજાર બેઠકોને આવરી લેવાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ