
જુનાગઢ, 10 ઓગસ્ટ (હિ.સ.) : યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત મેરા યુવા ભારત (MY Bharat), જૂનાગઢ દ્વારા યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ, ડિજિટલ-નાણાકીય સાક્ષરતા તથા રાષ્ટ્ર નિર્માણની ભાવના વિકસાવવાના હેતુથી તા. ૧૦ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ ખાતે ત્રણ દિવસીય MY Bharat Future Youth Leaders Bootcampનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જૂનાગઢના નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને સકારાત્મક વિચારસરણી, જવાબદારી અને નેતૃત્વ ક્ષમતા સાથે વિકસિત ભારત @2047ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયા દ્વારા MY Bharatની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલો અને બૂટકેમ્પની રૂપરેખા અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન “નશા મુક્ત ભારત”ની શપથ લેવડાવવામાં આવી તેમજ સ્વચ્છતા પખવાડિયા અને “હર ઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બૂટકેમ્પના પ્રથમ દિવસે નેતૃત્વ અને Emotional Intelligence, Governance અને District Transformation, Financial Literacy, Computer & Internet તથા Artificial Intelligence જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત ધ્યાન સત્ર, આઈસ-બ્રેકર અને પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ યાદવ, MY Bharat પસંદગી સમિતિના સભ્યો તેમજ વિવિધ યુવા પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ