
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : મેયર સાગર મોદીની સૂચનાથી શ્રી કૃષ્ણસખા
સુદામા સાંસ્કૃતિક લોકમેળા-2026 જગ્યા ફાળવણી માટે ફોર્મ સ્વીકારવાની મુદત
લંબાવાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમીના પાવન પર્વને
અનુલક્ષીને યોજાનારા લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
લોકમેળામાં ખાણીપીણી, રમકડાં, ચગડોળ
સહિતના વિવિધ વ્યવસાય માટે ગ્રાઉન્ડ ફાળવણીની કામગીરી અંતર્ગત ધંધાર્થીઓને ફોર્મ
વિતરણ તથા ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા દ્વારા
જગ્યા ફાળવણી માટેના ફોર્મ તા.05 ઓગસ્ટ 2026 થી તા.10 ઓગસ્ટ 2026
સુધી કચેરીના સમય દરમિયાન સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી હતી. જગ્યા ફાળવણી માટે
નિયત ડિપોઝિટની રકમનો બેંક મારફતે ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી
હતી. જોકે, શનિવાર
અને રવિવારની બેંક રજાઓના કારણે કેટલાક ધંધાર્થીઓ સમયસર ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી
શક્યા ન હતા. ત્યારબાદ સોમવારે બેંક સર્વર ડાઉન રહેવા તેમજ તકનિકી સમસ્યાઓ સર્જાતા
પણ કેટલાક ધંધાર્થીઓને ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવવામાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને
ધ્યાનમાં રાખીને લોકમેળામાં જગ્યા ભાડે રાખવા ઇચ્છુક ધંધાર્થીઓ દ્વારા ફોર્મ
સ્વીકારવાની મુદત એક દિવસ લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી.
ધંધાર્થીઓની રજૂઆતને
ધ્યાને લઈ મેયર સાગરભાઇ મોદીની સૂચનાથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી
લોકમેળામાં જગ્યા ફાળવણી માટેના ફોર્મ સ્વીકારવાની અંતિમ મુદત તા. 11 ઓગસ્ટ 2026 ના
રોજ બપોરે 2:00
વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. આથી જન્માષ્ટમી લોકમેળામાં જગ્યા મેળવવા ઇચ્છુક
તમામ ધંધાર્થીઓએ નક્કી કરેલી મુદત પહેલાં જરૂરી દસ્તાવેજો તથા ડિમાન્ડ ડ્રાફ્ટ
સાથે પોતાના ફોર્મ રજૂ કરી દેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya