
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) ગાયક આતિફ અસલમે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર લાગેલા પ્રતિબંધ અંગે પહેલી વાર ખુલ્લેઆમ વાત કરી છે. 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આતિફ પણ આ પ્રતિબંધના કારણે ભારતમાં કામ કરી શક્યા નહોતા. લગભગ એક દાયકાબાદ તેમણે પોતાની ગેરહાજરી અને ભારતીય પ્રશંસકો સાથેના પોતાના જોડાણ અંગે ભાવુક વાત કરી છે.
વાતચીત દરમિયાન આતિફે કહ્યું કે, ભારતમાં તેમના પર પ્રતિબંધ લાગ્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક દાયકાથી તેમણે ભારતમાં કોઈ ગીત ગાયું નથી, પરંતુ તેમના પ્રશંસકો આજે પણ કોઈને કોઈ રીતે તેમનું સંગીત સાંભળે છે. તેમણે કહ્યું કે, ઘણા પ્રશંસકો વીપીએનના માધ્યમથી તેમના ગીતો સાંભળે છે અને સીડી બનાવીને અન્ય લોકો સુધી પહોંચાડે છે. આતિફે સ્પષ્ટ કર્યું કે, તેઓ પાયરસીનું સમર્થન કરતા નથી, પરંતુ સંગીત જ્યાં પહોંચવાનું હોય છે, ત્યાં પહોંચી જ જાય છે.
ભારતીય ચાહકોને યાદ કરતાં આતિફે કહ્યું, હું હંમેશાં તમને કહેવા માગતો હતો કે મને તમારી ખૂબ યાદ આવે છે. મને ત્યાં કામ કરવાની યાદ નથી આવતી, પરંતુ તમારી ખૂબ યાદ આવે છે. તેમણે એ પણ કહ્યું કે જો ભારતમાં પ્રતિબંધ ન લાગ્યો હોત તો કદાચ તેઓ એટલું સંગીત ન બનાવી શક્યા હોત, તેથી તેમણે પ્રતિબંધ લગાવનારાઓનો પણ આભાર માન્યો.
આતિફ અસલમે ભારતમાં 'દિલ દિયાં ગલ્લાં', 'તેરે બિન' અને 'બેઇંતહા' જેવા અનેક લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપ્યો છે અને ભારતીય પ્રશંસકોમાં આજે પણ તેમની મજબૂત લોકપ્રિયતા યથાવત્ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ