
કાઠમંડુ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)ના અધ્યક્ષ રવિ લામિછાને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ચીનની આઠ દિવસીય મુલાકાતે જવાના છે. તેમની ચીન મુલાકાતની તારીખ 23થી 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
પાર્ટીના મહાસચિવ વિપિન આચાર્યના જણાવ્યા મુજબ, આ મુલાકાત ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના આમંત્રણ પર થશે. આરએસપી સત્તામાં આવ્યા બાદ લામિછાને અગાઉ ભારતની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આમંત્રણ પર પાંચ દિવસીય ભારત મુલાકાતે ગયા હતા. ચીનની આ તેમની પ્રથમ મુલાકાત હશે.
તેમ છતાં, ચીનના રાષ્ટ્રપતિ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સી જિનપિંગ સાથે લામિછાનેની મુલાકાતની શક્યતા નથી. તેમની પ્રારંભિક પ્રવાસ યોજનામાં શી સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ સામેલ નથી. રવિ લામિછાને તરફથી સી સાથે મુલાકાત નક્કી કરવા માટે ઘણો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ સમય સુધી પણ તે શક્ય બની શક્યું નહીં.
કાઠમંડુ સ્થિત ચીની દૂતાવાસના અનુસાર, ચીનના પ્રોટોકોલ હેઠળ રાષ્ટ્રપતિ શી સામાન્ય રીતે માત્ર રાષ્ટ્રપ્રમુખો અથવા સરકારપ્રમુખો સાથે જ મુલાકાત કરે છે. આ કારણસર લામિછાને અને શી વચ્ચે મુલાકાત શક્ય માનવામાં આવી રહી નથી.
બેઇજિંગમાં લામિછાનેની ચીનના ઉપ રાષ્ટ્રપતિ હાન ઝેંગ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત લગભગ નક્કી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમની પ્રથમ બેઠક ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના વિદેશ વિભાગના વડા લિયુ હાઈશિંગ સાથે થશે. લિયુએ જ લામિછાનેને ચીન મુલાકાતનું આમંત્રણ આપ્યું છે.
લામિછાને પાંચ સભ્યોના નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પ્રતિનિધિમંડળમાં તેમની પત્ની નિકિતા પૌડ્યાલના પણ સામેલ હોવાની માહિતી આપવામાં આવી છે. બેઇજિંગ બાદ લામિછાનેના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ તિબ્બતમાં સ્થિત કૈલાશ માનસરોવરની મુલાકાત પર પણ જશે.
આ પહેલાં જૂન મહિનામાં ભારત મુલાકાત દરમિયાન રવિ લામિછાને, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સહિત પાર્ટીના અન્ય નેતાઓ સાથે પણ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ