ખેલ મંત્રીએ ‘હર ઘર તિરંગા’ રેલીમાં કહ્યું, ફિટનેસ સાથે પ્રદૂષણ અને ટ્રાફિકનો પણ ઉકેલ છે સાયકલ
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બુધવારે દિલ્હીમાં ‘હર ઘર તિરંગા’ સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે સાયકલ ચલાવવું માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ પ્રદૂષણ અને ટ્રાફિક જેવ
દિલ્હીમાં ‘હર ઘર તિરંગા’ સાયકલ રેલી


નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બુધવારે દિલ્હીમાં ‘હર ઘર તિરંગા’ સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે સાયકલ ચલાવવું માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી, પરંતુ પ્રદૂષણ અને ટ્રાફિક જેવી સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

દિલ્હી યુનિવર્સિટીથી આયોજિત આ રેલીમાં 1,000થી વધુ માયભારત સ્વયંસેવકોએ ભાગ લીધો.

રેલી દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ડૉ. માંડવિયાએ કહ્યું, “દિલ્હીમાં 1,000થી વધુ માયભારત સ્વયંસેવકોએ હર ઘર તિરંગા સાયકલ રેલીના માધ્યમથી દેશને ફિટનેસનો સંદેશ આપ્યો છે. કોઈપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે એ અત્યંત જરૂરી છે કે દેશના નાગરિકો સ્વસ્થ રહે.”

તેમણે સાયકલ ચલાવવાના વ્યાપક લાભો પર ભાર મૂકતાં કહ્યું, “સાયકલ ફિટનેસનો સંદેશ છે, સાયકલ પ્રદૂષણનો ઉકેલ છે અને સાયકલ ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ છે.”

સ્વતંત્રતા દિવસની આસપાસ આયોજિત કાર્યક્રમોના ભાગરૂપે ડૉ. માંડવિયાએ માયભારત સ્વયંસેવકો સાથે ‘હર ઘર તિરંગા’ રેલીમાં પણ ભાગ લીધો.

આ પહેલાં સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા યાત્રાઓ અને તિરંગા રેલીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે તેને ભારતની સામૂહિક શક્તિનું પ્રતીક ગણાવીને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે જોડવાનું આહ્વાન કર્યું હતું.

અમિત શાહે કહ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલો હર ઘર તિરંગા અભિયાન આપણા રાષ્ટ્રની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ છે. તે આપણને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં એકજૂટ કરે છે. આ વર્ષે આ અભિયાન વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠના અવસર સાથે જોડાયેલું છે, જેથી દરેક દેશભક્ત માટે તેનું મહત્વ વધુ વધી ગયું છે.”

તેમણે નાગરિકોને તિરંગા યાત્રાઓ, તિરંગા રેલીઓ અને સામૂહિક રીતે વંદે માતરમ્ના ગાનમાં ભાગ લેવા સાથે ઘરો પર તિરંગો ફરકાવવા અને હર ઘર તિરંગા વેબસાઇટ પર તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરવાની અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટે નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાના સામૂહિક સંકલ્પને પુનરાવર્તિત કરવા આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તિરંગો દેશનું ગૌરવ છે અને દરેક નાગરિકને રાષ્ટ્ર માટે પોતાનું શ્રેષ્ઠ આપવા માટેની સતત પ્રેરણા છે.

તેમણે આ વર્ષના અભિયાનને વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠને સમર્પિત કરવામાં આવ્યું છે તે અંગે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

2022માં શરૂ થયું હતું હર ઘર તિરંગા અભિયાન

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ વર્ષ 2022માં શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન હવે દરેક સ્વતંત્રતા દિવસે આયોજિત થતી રાષ્ટ્રીય પરંપરા બની ગયું છે. તેના હેઠળ કરોડો નાગરિકો સ્વેચ્છાએ પોતાના ઘરો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.

આ વર્ષે અભિયાનનું મહત્વ તેથી પણ વધ્યું છે કારણ કે તે વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ સાથે આયોજિત થઈ રહ્યું છે.

દેશભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમો દરમિયાન વંદે માતરમ્નું સામૂહિક ગાન પણ મુખ્ય ભાગ રહેશે.

નાગરિકોને રાષ્ટ્રગીત વંદે માતરમ્ની સાચી ધૂન અને રજૂઆત શીખવામાં મદદ કરવા માટે સંસ્કૃતિ મંત્રાલયે પાંચ તબક્કાવાળું ઑનલાઇન ટ્યુટોરિયલ તૈયાર કર્યું છે. આ ટ્યુટોરિયલ સમર્પિત વેબસાઇટ અને હર ઘર તિરંગા પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ વર્ષે તિરંગા સાથે સેલ્ફી લેવાની સુવિધામાં વંદે માતરમ્ના શબ્દો અને તેની ધૂનને પણ સામેલ કરવામાં આવશે. ઉપરાંત હર ઘર તિરંગા પ્રદર્શનોમાં રાષ્ટ્રગીતના ઇતિહાસને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande