
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
ખેરાલુ તાલુકાના સાગથળા-ગોરીસણા રોડ પર બાઇક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે 11:30 વાગ્યે થયેલા અકસ્માતમાં બાઇક સવાર 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ટક્કર બાદ ઇકો કાર પણ પલટી ગઈ હતી.
અકસ્મતમાં મૃતકની ઓળખ મહેલજી રામજી ઠાકોર (ઉં.વ. 20, રહે. છેલપુરા, તા. સતલાસણા) તરીકે થઈ છે. જ્યારે કીર્તિજી જગાજી ઠાકોર (રહે. ખાંભોક, તા. વડનગર) ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે બાઇક નંબર GJ 02 EB 7098 કીર્તિજી ઠાકોર ચલાવી રહ્યા હતા.
અકસ્માની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને ખેરાલુ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા તબીબોએ મહેલજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. કીર્તિજીને વધુ સારવાર માટે વડનગર રિફર કરવામાં આવ્યા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ મામલે મૃતકના પિતરાઈ ભાઈ કલ્પેશજી ફુલાજી ઠાકોરની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે ઇકો કાર નંબર GJ 21 CC 9965ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ખેરાલુ PSI યોગેશભાઈ કઠેચિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR