
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)
વિસનગર તાલુકાના વાઘાજીપુરા (ગોઠવા) ગામે 22 વર્ષીય પવન ઠાકોરનો મૃતદેહ ગામના મોટા તળાવ પાસે સરગવાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવકનો મૃતદેહ પોતાના શર્ટથી ઝાડની ડાળીએ ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ પવન ઠાકોર રાત્રિના સમયે ઘરે પરત ફર્યો ન હતો. જેથી તેના પિતા વિક્રમજીએ મોટા પુત્ર ધીરજને જગાડી પવનની તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ મિત્રો તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ પવનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. વહેલી સવારે ફરી શોધખોળ કરવાની તૈયારી સાથે પરિવાર સૂઈ ગયો હતો.
દરમિયાન વહેલી સવારે સંબંધી મનુજી ઠાકોરનો ફોન આવ્યો હતો. તેમણે તળાવ પાસેના ઝાડની ડાળીએ પવનનો મૃતદેહ લટકતો હોવાની જાણ કરી હતી. પરિવારજનોએ સ્થળ પર પહોંચી પોલીસને જાણ કરી હતી.
પોલીસે FSLની ટીમની હાજરીમાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પવનના મોટા ભાઈ ધીરજકુમારના નિવેદનના આધારે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પવન ઠાકોરે કયા કારણોસર આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનામાં અન્ય કોઈ કારણ સંકળાયેલું છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR