
- દેશને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે વિશ્વને દવાઓ પહોંચાડવાનું ભારતનું લક્ષ્ય : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
- સંશોધન અને ઇનોવેશનમાં યુવાનોને પ્રોત્સાહન આપી 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન
અમદાવાદ,28 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રજની પટેલ ‘Pharminnova Award’ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન, ઇનોવેશન અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ પહેલને બિરદાવી હતી. તેમણે સ્વ.રજની પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતે માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં, પરંતુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે. સ્વ.રજની પટેલે વર્ષો અગાઉ આ જરૂરિયાતને ઓળખીને સંશોધન ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોને પ્રોત્સાહિત કરવા એવોર્ડની પરંપરા શરૂ કરી હતી, જે એક પ્રશંસનીય પહેલ છે.
તેમણે જણાવ્યું હતું કે સંશોધકોને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમાજ અને ઉદ્યોગ જગતમાં તેમની પ્રતિભાની ઓળખ અને પ્રોત્સાહન મળે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારત 2014માં વિશ્વની 11મી અર્થવ્યવસ્થા હતું, જ્યારે આજે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે સરકાર, ઉદ્યોગ, સંશોધકો, યુવાનો અને નાગરિકો સૌએ પોતાના સ્તરે યોગદાન આપવું જરૂરી છે.
કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જનતાએ સાથે મળીને કામગીરી કરી હતી. ભારતે પડકારજનક પરિસ્થિતિમાં કોવિડ-19ની રસીનું ઉત્પાદન કર્યું અને વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડીને માનવતાની સેવા કરી હતી. તેમણે જણાવ્યું કે કોરોના પૂર્વે ભારતમાં PPE કિટ અને N-95 માસ્કનું ઉત્પાદન અત્યંત મર્યાદિત હતું, પરંતુ પડકારને તકમાં પરિવર્તિત કરીને ભારત થોડા જ સમયમાં તેના મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સ્થાન પામ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા PLI યોજના, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક તથા સંશોધન-ઇનોવેશનને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ક્રિટિકલ API, સ્ટાર્ટિંગ મટિરિયલ્સ અને મેડિકલ ડિવાઇસનું દેશમાં જ ઉત્પાદન વધે તે માટે નીતિગત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોથી ભારતમાં વિશ્વસ્તરીય ફાર્મા મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે.
અમિત શાહે જણાવ્યું કે ભારતીય ફાર્મા ક્ષેત્ર દેશની નેશનલ સ્ટ્રેટેજિક એસેટ છે. ભારતે વિશ્વના 150થી વધુ દેશોમાં દવાઓ પહોંચાડીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગની સાથે સંશોધન અને નવીનતામાં પણ વૈશ્વિક નેતૃત્વ મેળવવાની જરૂર છે. ફાર્મા અને મેડિકલ ક્ષેત્રમાં સંશોધન તથા ઇનોવેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા PRIP જેવી યોજનાઓ મારફતે સંશોધકો અને ઉદ્યોગોને સહયોગ આપવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાસ કરીને Novel Drug Delivery System જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનને આવકારતાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ભારત માટે વિશાળ સંભાવનાઓ રહેલી છે. વધુને વધુ ઉદ્યોગો, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્ર સાથે જોડાય તો ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર બની શકે છે.
તેમણે યુવા સંશોધકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે નિષ્ફળતા વિના સફળતા શક્ય નથી. નિષ્ફળતાથી નિરાશ થયા વિના સતત પ્રયાસ કરવાની હિંમત અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા યુવાનોને સફળતા અપાવશે. યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ, માર્ગદર્શન અને હોંસલો આપવાની જવાબદારી ઉદ્યોગ, માર્ગદર્શકો અને સમાજની પણ છે.
આ પ્રસંગે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન અને ઇનોવેશન માટે નોંધપાત્ર કામગીરી કરનારા PhD સ્કોલર્સ તથા તેમના ગાઇડ્સને Pharminnova Awardથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ એવોર્ડ વિજેતા સંશોધકો અને તેમના માર્ગદર્શકોને અભિનંદન પાઠવી દેશના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત સંશોધન અને ઇનોવેશન કરતા રહેવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારતને દરેક ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર બનાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવામાં સંશોધન, વિજ્ઞાન, ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના યુવાનો તથા ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
કાર્યક્રમના પ્રારંભમાં ટ્રાઇકો ફાર્મા કંપનીના ચેરમેન ડૉ. કેતન પટેલે સ્વાગત પ્રવચન કરી એવોર્ડની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મિલન પટેલ, અસીલ પટેલ સહિત ફાર્મા, બેન્કિંગ ક્ષેત્રના અગ્રણીઓ સહિત એવોર્ડ વિનર સંશોધકો અને ગાઈડ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ