
અમદાવાદ,29 ઓગસ્ટ (હિ.સ.) આજે 29 ઓગસ્ટના રોજ શહેરના નરોડા જીઆઈડીસી ફેસ-3માં ફૂડ પ્રોડક્ટની પેકેજીંગ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નરોડા જીઆઈડીસી ના ફેઝ-3માં પ્લોટ નંબર 28 પર આવેલી ફૂડ પ્રોડક્ટ પેકેજિંગ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફેક્ટરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતા આસપાસના લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે, આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સદનસીબે આ ગમખ્વારમાં દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. નોંધનીય છે કે, આ અંગેની જાણ થતા અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ચાલુ કામકાજ દરમિયાન અચાનક આગ લાગતાં ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેસ-3માં આવેલ પ્લોટ નંબર 28 સ્થિત એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ 7 ગાડીઓ સાથે ટીમ સ્થળ પર દોડી ગઈ. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે.
આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોવા મળતા સ્થાનિકો તેમજ કર્મચારીઓમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ અન્ય નજીકના ભાગોમાં કે આજુબાજુની ફેક્ટરીઓમાં ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી અને કંપનીને કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેનો ચોક્કસ અંદાજ આગ પૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ સ્પષ્ટ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ