નેપાળના વડાપ્રધાનનું વચન, જળપ્રલયમાં ગુમ થયેલા દરેક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરાશે, દરેક અસરગ્રસ્તને પુનર્વસિત કરવામાં આવશે
કાઠમંડુ, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન બાલેન્દ્ર શાહે નેપાળમાં જળપ્રલય પછી ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો વચ્ચે જણાવ્યું કે, પૂર (જળપ્રલય)માં ગુમ થયેલા દરેક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર આશાના અંતિમ કિરણ સુધી શોધ અને બચાવ
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ


કાઠમંડુ, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન બાલેન્દ્ર શાહે નેપાળમાં જળપ્રલય પછી ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો વચ્ચે જણાવ્યું કે, પૂર (જળપ્રલય)માં ગુમ થયેલા દરેક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર આશાના અંતિમ કિરણ સુધી શોધ અને બચાવ અભિયાન ચાલુ રાખશે. તેમણે વચન આપ્યું કે, સરકાર દરેક અસરગ્રસ્ત વ્યક્તિને પુનર્વસિત કરશે. તેમણે રાહત અને પુનર્નિર્માણ પ્રત્યે પોતાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, શાહે શનિવારે રાત્રે ફેસબુક પોસ્ટમાં આ આપત્તિથી થયેલી તબાહીની જાણકારી આપતા જણાવ્યું કે, રસુવા, નુવાકોટ અને ધાડિંગમાં નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સમુદાયોને ખરાબ રીતે અસર થઈ છે. તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત દરેક નાગરિકનો જીવ બચાવવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શાહે મુશ્કેલ વિસ્તારો અને ખરાબ હવામાન વચ્ચે ચાલી રહેલા શોધ અને બચાવ અભિયાન અંગે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 7,500થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આમાં વિવિધ જળવિદ્યુત પરિયોજનાઓના સ્થળો પર ફસાયેલા 279 કર્મચારીઓ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે, આ મહાઅભિયાનમાં નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના 18,708 સુરક્ષાકર્મીઓ 16 હેલિકોપ્ટર (લશ્કરી અને ખાનગી) સાથે તૈનાત છે. આ બધાએ અત્યાર સુધીમાં 236 બચાવ અભિયાન પૂરા કર્યા છે. ભારત અને ચીનના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો પણ જમીની સ્તરે સક્રિયપણે મદદ કરી રહ્યા છે. જોખમી વિસ્તારોમાં કામ કરી રહેલા અગ્રિમ હરોળના કર્મચારીઓનું મનોબળ જાળવી રાખવા માટે વડાપ્રધાને તૈનાત સુરક્ષા દળો માટે દૈનિક નાસ્તા માટે ભથ્થા અને પ્રોત્સાહન રાશિમાં તાત્કાલિક વધારાની જાહેરાત કરી.

શાહે કહ્યું કે, વડાપ્રધાન રાહત કોષમાં કોમર્શિયલ એકાઉન્ટ્સ દ્વારા 5.04 બિલિયન એનપીઆર અને 1.8 મિલિયન યુએસડી જમા થયા છે. તેની વિગતો સત્તાવાર 'રેસ્ક્યુ રિક્વેસ્ટ પોર્ટલ' પર સાર્વજનિક રૂપે જોઈ શકાય છે. તેમણે નાગરિકો અને દાતાઓને અપીલ કરી કે, તેઓ છેતરપિંડીથી બચવા માટે ફક્ત સત્તાવાર સરકારી ક્યુઆર કોડ દ્વારા જ યોગદાન આપે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મદદ મળી છે. તે આ પ્રકારે છે - 167 મિલિયન યુએસડીની રાહત લોન (વર્લ્ડ બેંક), 5 મિલિયન યુએસડીની ગ્રાન્ટ અને 150,000 યુએસડીની તકનીકી મદદ (એડીબી), 500,000 યુએસડી (અમેરિકા), 1 મિલિયન એયુડી (ઓસ્ટ્રેલિયા), અને 1 મિલિયન સ્વિસ ફ્રેંક (યુએન દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ).

તેમણે કહ્યું કે, ભારતે 57.5 ટન ઇમરજન્સી મેડિકલ અને માનવીય સહાય સામગ્રીની સાથે 2,000 એરટાઈટ બોડી બેગ પહોંચાડ્યા છે. ચીન પણ આ જ પ્રકારની માનવીય સહાય અને બોડી બેગ મોકલી રહ્યું છે. નેપાળે નષ્ટ થયેલા નદી ક્રોસિંગને ઠીક કરવા માટે બેઇજિંગ પાસેથી 30 બેલી બ્રિજની ઔપચારિક રીતે માંગ કરી છે. શાહે પુષ્ટિ કરી કે, આઠ જિલ્લાઓમાંથી 675 મૃતદેહો મળી આવ્યા છે. આખરે તેમણે પુનરોચ્ચાર કર્યો કે, બચાવ અને લાંબા ગાળાના પુનર્નિર્માણના લક્ષ્યો સંપૂર્ણપણે હાંસલ ન થાય ત્યાં સુધી સરકારી તંત્ર પૂરી તાકાત સાથે તૈનાત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande