
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હુમલા દરમિયાન સેનાના 13 જવાનોના જીવ ગયા. બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) ની સત્તાવાર ચેનલ હુકલે 1 મિનિટ 38 સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો છે. આમાં પાકિસ્તાનની સેનાની બખ્તરબંધ ગાડીઓને નિશાન બનાવવામાં આવી છે. હુમલાની જવાબદારી બીએલએ એ લીધી છે.
હુકલ મીડિયાના હવાલાથી પ્રસારિત ધ બલુચિસ્તાન પોસ્ટના રિપોર્ટ અનુસાર, બલુચિસ્તાન લિબરેશન આર્મીના કમાન્ડરોએ મસ્તુંગના ખડકોચા વિસ્તારમાં પાક સેનાના કાફલાને નિશાન બનાવતા આઈઈડી વિસ્ફોટમાં એક બખ્તરબંધ ગાડીને તબાહ કરી દીધી, જ્યારે એક બીજી બખ્તરબંધ ગાડી અને તેની સાથે ચાલી રહેલી ગાડીઓ પર પણ ઘાત લગાવીને હુમલો કર્યો.
બીએલએ અનુસાર, આ હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા અને 10 થી વધુ ઘાયલ થયા. બીએલએ પ્રવક્તાએ કહ્યું કે, આ ઓપરેશનમાં સંગઠનના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્ક્વોડ (એસટીઓએસ) એ પણ ભાગ લીધો છે. એસટીઓએસ ને ફતેહ સ્ક્વોડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બીએલએ કમાન્ડર કાફલાના આવતા પહેલા એક પુલ નીચે મોટી માત્રામાં વિસ્ફોટક લગાવી રહ્યા છે અને જેવો બખ્તરબંધ ગાડીઓનો કાફલો આવે છે. કાફલાની એક ગાડી એક જોરદાર ધમાકાથી તબાહ થઈ જાય છે. વીડિયોમાં હુમલા પછી ડ્રોન થી લેવાયેલા ફૂટેજ પણ બતાવવામાં આવ્યા છે.
બીએલએ પાકિસ્તાનનું સશસ્ત્ર સંગઠન છે. બોલાન જિલ્લામાં 11 માર્ચના રોજ જાફર એક્સપ્રેસ ટ્રેનને બીએલએ એ હાઈજેક કરીને 180 થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ ઘટનાને પણ બીએલએ ની ફિદાયીન યુનિટ મજીદ બ્રિગેડ એ અંજામ આપ્યો હતો. આમાં મજીદ બ્રિગેડ ની સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન સ્ક્વોડ (એસટીઓએસ/જેને ફતેહ સ્ક્વોડ પણ કહે છે) એ પણ મદદ કરી.
બીએલએ ની સ્થાપના 2000 માં બલુચિસ્તાનને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી. બીએલએ એ પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ, સરકારી પ્રતિષ્ઠાનો, વિશેષ રૂપે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા અને ચીન પોષિત પરિયોજનાઓ પર સતત હુમલા કર્યા છે. બીએલએ ના ઓપરેશન્સ સામાન્ય રીતે મજીદ બ્રિગેડ, સ્ક્વોડ અને આત્મઘાતી દસ્તા કરે છે. આ એકમો મુખ્ય રૂપે ગુરિલ્લા હુમલાઓ માટે જાણીતા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પોતાની ગતિવિધિઓને વ્યવસાયિક રીતે સંગઠિત કરી છે.
મજીદ બ્રિગેડ ની સ્થાપના 2011 માં થઈ હતી. આ બીએલએ નું વિશેષ દળ છે. મજીદ બ્રિગેડ આત્મઘાતી હુમલાઓમાં માહિર છે. આ બ્રિગેડનું નામ અબ્દુલ મજીદ બલોચના નામ પર રાખવામાં આવ્યું, જેમણે 1974 માં તત્કાલીન પ્રધાનમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની હત્યાનો પ્રયાસ કર્યો હતો. મજીદ બ્રિગેડ નું નામ પાકિસ્તાનમાં ઘણા મોટા હુમલાઓ સાથે જોડાયેલું છે.
ફતેહ સ્ક્વોડ મુખ્ય રૂપે બલુચિસ્તાનના પહાડી વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્ય ગશ્તી દળ વિરુદ્ધ ગુરિલ્લા યુદ્ધ સંચાલિત કરે છે. વર્ષ 2024 માં ઓપરેશન હેરોફ હેઠળ ફતેહ સ્ક્વોડ એ પોતાના અન્ય ગુટો સાથે મળીને બલુચિસ્તાનમાં 14 સ્થાનો પર નાકાબંધી કરીને 62 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા.
સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ બલુચિસ્તાન લિબરેશન આર્મીની એક એલિટ ફોર્સ છે. આ સંગઠન ગુપ્ત માહિતી એકત્ર કરવા, જાસૂસી કરવા અને લક્ષિત હત્યાઓને અંજામ આપવામાં નિષ્ણાત છે. બશીર જૈબ બલોચના નેતૃત્વમાં એસટીઓએસ પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને તેમના સ્થાનિક સહયોગીઓને શોધી કાઢવા અને તેમની હત્યા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહ્યું છે.
ખરેખર, વર્ષ 1947 માં બ્રિટને ભારતમાંથી પોતાની વાપસીની ઘોષણા કરી. તે સમયે કલાત રિયાસતે સ્વતંત્રતાની ઘોષણા કરી દીધી. બલુચિસ્તાનનો મોટાભાગનો હિસ્સો કલાત રિયાસતમાં સામેલ હતો. ત્યારે પણ તેની સ્થિતિ વિવાદાસ્પદ બની રહી. પાકિસ્તાને કલાતના ખાન સાથે વાતચીત કરી અને માર્ચ 1948 માં સેના મોકલીને બલુચિસ્તાન પર કબજો કરી લીધો. આ કબજા સાથે જ ત્યાં અસંતોષ ભડકી ઉઠ્યો અને ઘણા સશસ્ત્ર વિદ્રોહ શરૂ થઈ ગયા.
વર્ષ 1948 ઉપરાંત 1958-59, 1973-77 અને 2004 પછી પણ બલુચિસ્તાનમાં વિદ્રોહ થયા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ પાકિસ્તાનની સંઘીય સરકાર પર બલુચિસ્તાનના સંસાધનોની લૂંટનો આરોપ લગાવે છે અને રાજ્યના સંસાધનોમાં હિસ્સેદારી તથા સ્વાયત્તતા ની માંગ કરે છે. પાકિસ્તાનની સંઘીય સરકારે સેનાની મદદથી આ વિદ્રોહોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનની સેના પર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ પણ લાગતા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ