
સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળે હોટફિક્સના કચરાના ઢગલામાં શંકાસ્પદ રીતે ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. કાપોદ્રા, પુણા અને જહાંગીરનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાઓને પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
કાપોદ્રાના હીરાબાગ વિસ્તારમાં રામનગર સોસાયટી નજીક બ્રિજ નીચે મોડી રાત્રે હોટફિક્સના વેસ્ટના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. આગમાં બ્રિજ નીચે પડેલું બિનવારસી એક્ટિવા પણ બળીને ખાખ થઈ ગયું હતું.
આ ઉપરાંત જહાંગીરનગરમાં બગીચા પાસે અને પુણા અંજની ખાડી બ્રિજ પર પણ હોટફિક્સના કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. પુણા ખાડી નજીક લાગેલી આગમાં એક ઇકો અને એક એસેન્ટ કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
સુરત શહેરમાં હોટફિક્સ મશીનોના કચરાના નિકાલનો મુદ્દો અગાઉથી જ ચર્ચામાં છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ સ્થળે કચરાના ઢગલામાં આગ લાગતાં આ સમગ્ર મામલે ફરી સવાલો ઊભા થયા છે.
આગની ઘટનાઓના પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કચરાનો નિયમિત નિકાલ ન થતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ સ્થળ પર પહોંચેલા પાલિકાના અધિકારીઓનો ઉગ્ર ઘેરાવ પણ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કચરાના નિકાલ માટેની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.
દરમિયાન વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર)એ પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે યુનિટોને સીલ મારવાથી લાખો લોકોની રોજગારી પર અસર થઈ શકે છે. તેથી માત્ર સીલ મારવાની કાર્યવાહી કરવાને બદલે ડોર-ટુ-ડોર અથવા ખાસ વેસ્ટ કલેક્શન વાહનોની વ્યવસ્થા કરીને હોટફિક્સના કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે નીતિવિષયક નિર્ણય લેવો જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે