
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
ઊંઝા તાલુકાના ઉનાવા ગામે અગાઉ થયેલી તકરારના મુદ્દે એક યુવાન પર લોખંડની પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ બનાવમાં પોલીસે 6 ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ઉનાવાના સૈયદવાસમાં રહેતા સૈયદ તબરેઝહુસૈન રફીકમિયાં પોતાની કાયનાત ટ્રાવેલ્સની ઓફિસમાં બેઠા હતા. દરમિયાન સૈયદ મોઇનઅલી અબ્બાસઅલી સહિતના ઈસમો લોખંડની પાઇપ અને ધોકા લઈને ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓએ મીરાં દાતાર દરગાહના વહીવટ તેમજ દરગાહના અંદરના ભાગે આવેલા સોનાના કઠેરા પર સોનાની જાળી લગાવવા બાબતે તબરેઝહુસૈન સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ આરોપીઓએ ગડદાપાટુનો માર મારી હથિયાર વડે તેમના જમણા હાથના અંગૂઠા, જમણા ગાલ અને કપાળના ભાગે ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે. દરમિયાન એક સાહેદ તેમને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો.
આ અંગે તબરેઝહુસૈનના નિવેદનના આધારે પોલીસે સૈયદ મોઇનઅલી અબ્બાસઅલી, સૈયદ જુનેદઅલી મુસ્તાકઅલી, સૈયદ કદીર મોઇનઅલી, સૈયદ ફકરુદિન ખાલિદનકવી તેમજ મોઇનઅલીના બે સાળા સહિત 6 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR