
સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાંથી ખરીદેલા બદામના પેકેટમાંથી જીવતા ધનેડા અને અન્ય જીવાતો નીકળતાં ગ્રાહકમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અન્ન અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગોડાદરા સ્થિત ડી-માર્ટમાંથી એક ગ્રાહકે 26 ઓગસ્ટ, 2026ના રોજ કાજુ-બદામનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે જઈ પેકેટ ખોલતાં જ તેમાં જીવતા ધનેડા સહિતની અન્ય જીવાતો જોવા મળતાં ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો.
ગ્રાહકે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના અન્ન વિભાગને પુરાવા સાથે રજૂઆત કરી હતી. ત્યારબાદ અન્ન વિભાગની ટીમ ડી-માર્ટ ખાતે પહોંચી હતી અને દુકાનના સંચાલકની હાજરીમાં બદામના પેકેટનું વિગતવાર પંચનામું કર્યું હતું. તપાસ દરમિયાન પેકેટમાંથી જીવાતો જીવતી તેમજ મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે તંત્ર દ્વારા ડી-માર્ટના સંચાલકને નોટિસ આપી ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ પણ આ જ દુકાન સામે અન્નની ગુણવત્તા સંબંધિત કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ ₹75 હજારનો દંડ
લિંબાયત ઝોનના સહાયક આરોગ્ય અધિકારી મનન પટેલે જણાવ્યું હતું કે, 22 ઓગસ્ટના રોજ પાલિકાની ટીમે ડી-માર્ટમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન જીવાતવાળા નાળિયેર, એક્સપાયરી ડેટ વટાવી ગયેલો સામાન તેમજ ગંદકી મળી આવી હતી. આ બદલ સંચાલકને ₹75,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જોકે, આ કાર્યવાહી બાદ થોડા જ દિવસોમાં ફરી બદામના પેકેટમાંથી જીવાત મળી આવતાં તંત્રની કાર્યવાહી અને દુકાનમાં ખાદ્ય સામગ્રીના સંગ્રહ અંગે પણ સવાલો ઊભા થયા છે.
ગ્રાહકોએ માંગ કરી છે કે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે નિયમિત તપાસ કરવામાં આવે અને બેદરકારી જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે