ડિજિટલ કસ્ટડીના નામે ઉમરગામના નિવૃત્ત રજિસ્ટ્રાર સાથે રૂ. 30.76 લાખની સાયબર ઠગાઈ
વલસાડ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત રજિસ્ટ્રાર ઈશ્વરલાલ ભગવાનજી પટેલ ડિજિટલ કસ્ટડીના નામે થયેલી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ દૂરસંચાર વિભાગ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, CBI અને EDના અધિકારી તરીકે ઓળખ
સાંકેતિક ચિત્ર


વલસાડ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત રજિસ્ટ્રાર ઈશ્વરલાલ ભગવાનજી પટેલ ડિજિટલ કસ્ટડીના નામે થયેલી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ દૂરસંચાર વિભાગ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, CBI અને EDના અધિકારી તરીકે ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી કુલ રૂ. 30.76 લાખ પડાવી લીધા હતા.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 9 જુલાઈના રોજ ઈશ્વરલાલ પટેલને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને દૂરસંચાર વિભાગનો અધિકારી હોવાનું જણાવી કહ્યું હતું કે, તેમના આધાર કાર્ડ પરથી નકલી સિમ કાર્ડ લેવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ છેતરપિંડી તથા મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓમાં થઈ રહ્યો છે.

ત્યારબાદ તેમને વીડિયો કોલ મારફતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સાથે વાત કરાવવામાં આવી હતી. ઠગોએ CBI, ED અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરહેડ, FIR તથા અરેસ્ટ વોરંટ જેવા બનાવટી દસ્તાવેજો મોકલી તેમનો વિશ્વાસ જીત્યો હતો. સાથે જ સમગ્ર મામલો પરિવાર સહિત અન્ય કોઈને ન જણાવવાની ધમકી આપી સતત વીડિયો કોલ પર રાખીને માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું. તેમને સમયાંતરે I am reporting to Sir Vijay Khanaa. We are safe. Jai Hind. જેવા સંદેશા મોકલવા માટે પણ મજબૂર કરવામાં આવતા હતા. સાયબર ગુનાની આ પદ્ધતિને ડિજિટલ કસ્ટડી તરીકે ઓળખવામાં આવે છે.

ઠગોએ તપાસના બહાને પીડિત પાસેથી બેંક ખાતા, રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, SIP અને અન્ય બચત અંગેની તમામ માહિતી મેળવી હતી. ત્યારબાદ તમામ રોકાણ બંધ કરાવી તેની રકમ બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ 15 જુલાઈના રોજ DCB બેંકના ખાતામાં RTGS મારફતે રૂ. 21.21 લાખ અને 20 જુલાઈના રોજ ICICI બેંકના અન્ય ખાતામાં રૂ. 9.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કુલ રૂ. 30.76 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

આટલું જ નહીં, ઠગોએ ઘરમાં રહેલા સોનાના દાગીનાના ફોટા મોકલવા તેમજ દાગીના લઈને બેંકમાં જવા માટે પણ જણાવ્યું હતું. જોકે આ દરમિયાન ઈશ્વરલાલ પટેલની પત્નીને સમગ્ર ઘટનાની શંકા જતા તેમણે પરિવારજનોને જાણ કરી હતી. પુત્ર અને પુત્રી તાત્કાલિક બેંક પહોંચ્યા બાદ સમગ્ર મામલો સાયબર ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં પીડિતે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી તેમજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande