₹125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડ રિમોડેલિંગ કાર્યને મંજૂરી રેલ પરિચાલન ક્ષમતામાં થશે નોંધપાત્ર વધારો
ભાવનગર,1 સપ્ટેમ્બર (હિ.સ.) મુસાફરોને વધુ સારી, સુગમ અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવા તેમજ ભાવનગર વિસ્તારમાં રેલ પરિચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા ભાવનગર પરા
ભાવનગર પરા યાર્ડ રિમોડેલિંગ કાર્યને મંજૂરી


ભાવનગર,1 સપ્ટેમ્બર (હિ.સ.) મુસાફરોને વધુ સારી, સુગમ અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવા તેમજ ભાવનગર વિસ્તારમાં રેલ પરિચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા ભાવનગર પરા યાર્ડના વ્યાપક રિમોડેલિંગ અને અપગ્રેડેશન કાર્ય માટે આશરે ₹125 કરોડના ખર્ચની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે આ મહત્વાકાંક્ષી પરિયોજના પૂર્ણ થયા બાદ ભાવનગર વિસ્તારમાં રેલ પરિચાલનને નવી ગતિ મળશે. ભાવનગર ટર્મિનસ પર પરિચાલન સંબંધિત દબાણમાં ઘટાડો થશે તેમજ ભવિષ્યમાં વધુ સંખ્યામાં ટ્રેનોના સંચાલન માટેની ક્ષમતા વિકસિત થશે. આથી ટ્રેનોની સમયબદ્ધતામાં સુધારો થવાની સાથે મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ મળશે.

ભાવનગર પરા યાર્ડમાં વિકસાવવામાં આવશે આધુનિક સુવિધાઓ

પરિયોજનાના અંતર્ગત ભાવનગર પરા યાર્ડ ખાતે મુસાફરોની સુવિધા તેમજ રેલ પરિચાલન સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ કામો કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે:

એક નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે તેમજ હાલના પ્લેટફોર્મને પહોળું કરવામાં આવશે, જેથી મુસાફરોની અવરજવરમાં વધુ સુવિધા રહેશે. મુસાફરોની વધુ સારી કનેક્ટિવિટી માટે નવા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું નિર્માણ કરવામાં આવશે તેમજ હાલના ફૂટ ઓવર બ્રિજનું વિસ્તરણ કરવામાં આવશે. સ્ટેશન પરિસર અને યાત્રી વિસ્તારોમાં વધુ સારી અને આધુનિક યાત્રી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

રેલ પરિચાલન ક્ષમતામાં થશે નોંધપાત્ર વધારો

ભાવનગર પરા યાર્ડ રિમોડેલિંગ અંતર્ગત રેલ પરિચાલનને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે 4 નવી લૂપ લાઈનોનું નિર્માણ કરવામાં આવશે તથા 1 નવી એન્જિન રિવર્સલ લાઈન વિકસાવવામાં આવશે. ટ્રેનોની સ્ટેબ્લિંગ અને મેન્ટેનન્સ સંબંધિત સુવિધાઓ ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવામાં આવશે.

આથી ભાવનગર ટર્મિનસ ખાતે ઉપલબ્ધ પરિચાલન ક્ષમતાનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે અને ત્યાં વધુ ટ્રેનોના સંચાલન માટે વધારાની ક્ષમતા ઉપલબ્ધ થશે. માર્ગ વાહન વ્યવહારને વધુ સુચારુ બનાવવા માટે નવા રેલ અંડરપાસ (RUB)નું પણ નિર્માણ કરવામાં આવશે.

ભવિષ્યમાં વધુ ટ્રેનોના સંચાલનનો માર્ગ થશે પ્રશસ્ત

ભાવનગર પરા યાર્ડના આ વ્યાપક અપગ્રેડેશનથી રેલ પરિચાલનની ક્ષમતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. યાર્ડમાં વધારાની લાઈનો તેમજ સ્ટેબ્લિંગ અને મેન્ટેનન્સ સુવિધાઓ વિકસિત થવાથી ટ્રેનોનું સંચાલન વધુ સુવ્યવસ્થિત રીતે કરી શકાશે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ પરિયોજનાથી ભાવનગર ટર્મિનસ પર પરિચાલનનું દબાણ ઘટશે, ટ્રેનોની સમયબદ્ધતામાં સુધારો થશે અને ભવિષ્યમાં ભાવનગરથી વધુ ટ્રેનોના સંચાલન માટે જરૂરી માળખાગત સુવિધાઓ તૈયાર થશે. સાથે જ, મુસાફરોને વધુ સારા પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ તેમજ અન્ય આધુનિક સુવિધાઓનો લાભ મળશે.

આ મહત્વપૂર્ણ પરિયોજના ભાવનગર વિસ્તારના રેલ માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવા તેમજ યાત્રી સુવિધાઓ અને રેલ પરિચાલનને નવી ઊંચાઈ આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande