
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશભક્તો અને નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પંડાલો ઊભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ગણેશજીની સ્થાપના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજકો દ્વારા ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પંડાલોમાં આકર્ષક સજાવટ, લાઇટિંગ અને વિવિધ થીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પંડાલોની મુલાકાત લેતા હોવાથી આયોજકો દ્વારા વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, ભાવનગરના બજારોમાં વિવિધ આકાર અને ડિઝાઇનની નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને જવાહર મેદાન નજીક મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વિવિધ પ્રકારની કલાત્મક પ્રતિમાઓ જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
ગણેશ પ્રતિમાની ખરીદી અને એડવાન્સ બુકિંગ માટે પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મૂર્તિકારો દ્વારા ભક્તોની પસંદગી અને માંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ આકાર, રંગ અને ડિઝાઇનની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની માંગ પણ જોવા મળી રહી છે.
ગણેશ ઉત્સવને લઈને શહેરમાં અત્યારથી જ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આગામી દિવસોમાં પંડાલોની સજાવટ, મૂર્તિઓના આગમન અને અન્ય તૈયારીઓમાં વધુ વેગ આવે તેવી શક્યતા છે. શહેરમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA