
કચ્છ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) :16મા નાણાં પંચ હેઠળ મળનારી ગ્રાન્ટથી વિકાસકાર્યોને વેગ આપવા ચર્ચા, મોટા કાંડાગરા હાઇવે પર એક્સપ્રેસ એસટીના સ્ટોપની માંગ ઉઠી
મુન્દ્રા તાલુકાના વિકાસ અને લોકલક્ષી પ્રશ્નોને લઈને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ સંતોકબા જાડેજાના અધ્યક્ષસ્થાને બુધવારે તાલુકા પંચાયતના મધ્યસ્થ ખંડમાં મળેલી સામાન્ય સભામાં પાણી, આરોગ્ય તેમજ વિવિધ વિકાસલક્ષી પ્રશ્નો અંગે સદસ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆતમાં વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી દ્વારા અગાઉ મળેલી સામાન્ય સભાની કાર્યવાહી અને ઠરાવોની યાદી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતના વહીવટી અને વિકાસલક્ષી કામકાજ અંગે જરૂરી માહિતી સભ્યો સમક્ષ મૂકવામાં આવી હતી. બેઠક દરમિયાન ખાસ કરીને નાણાંપંચ હેઠળ મળતી ગ્રાન્ટ અને તેના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મ. તાલુકા વિકાસ અધિકારી દ્વારા 15મા નાણાં પંચ હેઠળ મળેલી ગ્રાન્ટ અંગે વિગતો આપતા જણાવાયું હતું કે અગાઉ 20 ટકા ગ્રાન્ટની જોગવાઈ હતી, જ્યારે 16મા નાણાં પંચમાં 10 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે. આગામી સમયમાં આ નાણાંનો ઉપયોગ તાલુકામાં વિવિધ વિકાસકાર્યો માટે કેવી રીતે કરી શકાય તે અંગે પણ સભામાં માહિતી આપવામાં આવી હતી.
સામાન્ય સભા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા પ્રશ્નો સદસ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા અંગે ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત મોટા કાંડાગરા હાઇવે પર એસટી એક્સપ્રેસ બસનો સ્ટોપ ફાળવવામાં આવે તેવી રજૂઆત પણ સભામાં કરવામાં આવી હતી. હાઇવે નજીકના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને આવાગમનમાં સુવિધા મળી રહે તે માટે આ માંગ મહત્વપૂર્ણ હોવાનું સભ્યો દ્વારા જણાવાયું હતું.
મુન્દ્રા તાલુકા પંચાયતની આ બેઠકમાં નાણાંપંચની ગ્રાન્ટથી લઈને પ્રાથમિક સુવિધાઓ સુધીના વિવિધ મુદ્દાઓ પર થયેલી ચર્ચાને પગલે આગામી સમયમાં તાલુકાના વિકાસકાર્યોને વધુ ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar